
- કોલેજિયન યુવતી એસટી બસમાં ઉતરીને રોડ ક્રોસ કરતા બોલેરોએ અડફેટે લીધી
- અકસ્માત બાદ બોલેરો જીપ સાથે તેનો ચાલક નાસી ગયો
- પોલીસે બોલેરો કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ધોરાજી નજીક સુપેડી ગામે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. સુપેડી ગામે આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી તાલાલા ગીરની વિદ્યાર્થિની બસમાંથી ઊતરી રોડ ક્રોસ કરતી હતી ત્યારે પૂરપાટ વેગે ધસી આવેલી બોલેરો કારે ટક્કર મારતા કોલેજિયન વિદ્યાર્થિની અક્ષિતા જીવરાજભાઈ વાળાનું મોત નીપજ્યું હતુ. આ અકસ્માત બાદ બોલેરો સાથે તેનો ચાલક નાસી ગયો હતો.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, ગીર સોમનાથના તાલાલા ગીર શહેરમાં રહેતી અક્ષિતા જીવરાજભાઈ વાળા (ઉં.વ.21)નામની યુવતી આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી હતી. કોલેજમાં વેકેશન પૂરું થતું હોવાથી તે પોતાના વતનથી પરત સુપેડી ગામે એસટી બસમાં આવી હતી. યુવતી બસમાંથી ઊતરી હાઈવે પર રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારના ચાલકે તેને અડફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને અકસ્માત સર્જી બોલેરો કારચાલક વાહન લઈને નાસી છૂટ્યો હતો. દરમિયાન હાઈવે પર ફેમિલી સાથે પસાર થઈ રહેલી અન્ય કારના ચાલકે પોતાની કાર રોકી આ ઈજાગ્રસ્ત યુવતીને પોતાની કારમાં ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી.
આ બનાવ અંગે જાણ થતાં ઉપલેટા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધી સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી કારચાલકને શોધવા કવાયત હાથ ધરી છે.