
- 160 પોલીસ જવાનોએ 63 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા,
- 3 DySP, 8 PI અને 150 પોલીસ જવાનોની ટીમે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી,
- પોલીસ જવાનો કેડસમા પાણીમાં ચાલીને અસરગ્રસ્તે સુધી પહોંચ્યા
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર સહિત તાલુકામાં થયેલી અતિવૃષ્ટિને લીધે આજે પણ અનેક ગામડાંઓમાં વરસાદી પાણી ભરાયેલા છે. વરસાદે વિરામ લીધા બાદ નુકસાનીનો અંદાજ મળી રહ્યો છે. જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી ચાલી રહી છે. ત્યારે અસરગ્રસ્તોને મદદ કરવામાં બનાસકાંઠા પોલીસની કામગીરી સરાહનિય રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં પોલીસ વિભાગ સરહદી વિસ્તારમાં 24 કલાક કાર્યરત છે. પોલીસ દળે સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્ર સાથે લોકોની મદદ માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. સુઈગામ અને ભાભરના અંતરિયાળ ગામોમાં તો કેડસમા પાણીમાં ચાલીને પોલીસ જવાનોએ ગ્રામજનોને સહાય પહોંચાડવાની કામગારી કરી છે.
બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં અતિવૃષ્ટિએ ભારે નુકસાન પહોચાડ્યુ છે. ત્યારે પોલીસ જવાનો મદદ માટે ગામેગામનો સંપર્ક કરી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ અને 150 પોલીસ જવાનોની ટીમે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ ટીમે સુઈગામના ભરડવા, ભાટવરવાસ અને તીર્થગામ સહિતના ગામોમાંથી 63 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. તમામ બચાવેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દળે પૂર, તોફાન કે અન્ય કટોકટીની પરિસ્થિતિમાં લોકોની સાથે રહી પોતાની ફરજ નિભાવી છે. વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત કામગીરીથી પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
બનાસકાંઠાના થરાદ-વાવ અને સુઇગામ તાલુકાને 16 ઇંચથી વધુ પડેલા વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યુ છે. હવે વરસાદે તો વિરામ લીધો છે પણ પાણી હજી ઓસર્યા નથી. અનેક ગામડાઓમાં હજુ કેડસમા પાણી ભરાયેલા છે. ભારે વરસાદના કારણે વાવ-થરાદ અને સુઇગામ તાલુકામાં અનેક પશુઓના મોત થયા છે. ખેડૂતોના પાકને નુકસાન સાથે ઘર વખરી પણ તણાઇ ગઇ છે. તો ઘણા વિસ્તારોમાં કાચા મકાનો ધરાશાયી થતાં અનેક પરિવારો ઘર વિહોણા થઇ ગયા છે. ખેડૂતો ભારે હૈયે વ્યથા ઠાલવી જણાવી રહ્યા છે કે આ પરિસ્થિ જોઇને વર્ષ 2015 અને 2017ના પુરની પરિસ્થતિ આંખો સામે તરવરે છે.