
- શૈક્ષણિક અને વહીવટી કામગીરી માટે ફિક્સ પગાર અપાશે,
- જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા માન્ય એજન્સીને ભરતીની કામગીરી સોંપાશે,
- સહાયકોની ભરતીને લીધે પગાર કેન્દ્રના આચાર્યો પર કામનું ભારણ ઘટશે
ગાંધીનગરઃ ગુજરાતમાં 10 જેટલી પ્રાથમિક શાળાઓનું પગાર કેન્દ્ર એક શાળામાં હોય છે. જે શાળામાં પગાર કેન્દ્ર હોય તેવી શાળાના આચાર્ય પર કામનું ભારણ વધુ હોય છે. ત્યારે પ્રા.શાળાઓના પગાર કેન્દ્રોમાં વહિવટી કામગીરી માટે સહાયકો નિમવાને મંજુરી આપવામાં આવી છે. જિલ્લા પંચાયતો અને જિલ્લા કલેક્ટરો દ્વારા માન્ય એજન્સી મારફતે પગારકેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરી શકશે.
ગુજરાતભરમાં સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં આચાર્યને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સહિતની કામગીરી માટે શાળા સહાયકની ફિક્સ પગારી ભરતી કરવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે. ભરતી માટે જિલ્લા પંચાયત અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા માન્ય એજન્સી મારફતે પગારકેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવાની રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 8થી 10 પ્રાથમિક શાળાઓનું શૈક્ષણિક અને વહિવટી કામગીરીના નિયમન માટે સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા બનાવવામાં આવી છે. પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના માધ્યમથી તાબાની 8 કે 10 પ્રાથમિક શાળાઓના આચાર્ય અને શિક્ષકોનો પગાર કરવાની સાથે સાથે સરકારી કચેરી દ્વારા કરેલા આદેશ પણ શાળાઓમાં પહોંચતા કરવાની સાથે સાથે સરકારી કચેરી દ્વારા શાળાની માહિતી પણ મોકલવાની કામગીરી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવે છે. પરંતુ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં આ તમામ કામગીરી શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવતી હતી. તેનાથી અનેક ભૂલો તેમજ કામગીરી સમયસર નહી થવા સહિતના પ્રશ્નો ઊભા થતા હતા. ત્યારે સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓના આચાર્યોને શાળાનું મોનીટરીંગ કરવાની સાથે સાથે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામગીરી કરવાની હતી.
આ ઉપરાંત 8 કે 10 પ્રાથમિક શાળાઓનું અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને વહિવટી કામગીરી પણ કરવાની થતી હોવાથી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના આચાર્યની હાલત કફોડી બની રહેતી હતી. ત્યારે આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરની તમામ સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયકની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયકની ભરતી આઉટસોર્સિંગ અને ફિક્સ પગારે કરવાની રહેશે.