
- રોંગ સાઈડમાં આવેલા ટ્રેકટરે કારને ટક્કર મારી
- કારમાં પ્રવાસ કરી રહેલા રાજકોટના દંપત્તીનું મોત
- બીજા અકસ્માતમાં મુળી હાઈવે પર ટ્રકની અડફેટે બાઈકસવાર બેનાં મોત
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના બે બનાવો બન્યા હતા. અકસ્માતનો પ્રથમ બનાવ થાનગઢ-ચોટીલા હાઈવે પર પેટ્રોલ પંપ સામે ટ્રેકટર અને કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા રાજકોટના પ્રેમજી ઘાટલિયા અને તેમના પત્ની લાભુબેન ઘાટલીયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અકસ્માતના બીજામાં મુળી હાઈવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. પોલીસે બન્ને બનાવોમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, થાનગઢ-ચોટીલા હાઈવે પર કારમાં રાજકોટનો પરિવાર માતાજીના માંડવા તરફ દર્શને જઈ રહ્યો હતો. ત્યારે એક ટ્રેક્ટર રોંગ સાઈડમાં આવીને કાર સાથે અથડાયું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્નીના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બેથી ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થતા. પ્રથમ થાનગઢ સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં થાનગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
બીજા અકસ્માતનો બનાવ મૂળી હાઇવે પર સર્જાયો હતો. વહેલી સવારે ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઈકસવાર કુકડા અને રતનપરના બન્ને વ્યક્તિઓના મોત થતા મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, કુકડા ગામે રહેતા અકલવંતસિંહ ઉર્ફે અશોકસિંહ જગતસિંહ પરમાર અને રતનપરના સુરેશભાઇ વજુભાઇ ખાવડીયા ડમ્પરમા નોકરી પૂર્ણ કરી વહેલી સવારે બાઈક પર સાયલાથી પોતાનાં ઘરે કુકડા અને સુરેન્દ્રનગરના રતનપર જઇ રહ્યા હતા. ત્યારે મૂળી સીએનજી પંપ પાસે પહોંચતા સામેથી આવતા ટ્રકના ચાલકે પુરપાટ અને ગફલત ભરી રીતે ચલાવી બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.