
- રાજસ્થાનના બે શખસોએ 8 જેટલી ટાટા હેરિયરની ચારી કર્યાની કબુલાત,
- ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, માસ્ટર કી અને સેન્સર કીનો ઉપયોગ કરી લોક ખોલી દેતા હતા,
- બન્ને શખસો ચોરી કરીને રાજસ્થાનમાં રૂપિયા બે લાખમાં હેરિયર કાર વેચી દેતા હતા
વડોદરાઃ ગુજરાતમાં માત્ર ટાટાની હેરિયર લકઝુરિયસ કારની ચોરી કરતા રાજસ્થાનના બે શખસોને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા હતા. આ બન્ને શખસો ગણતરીની સેકન્ડમાં હેરિયરનું લોક ખોલી દે છે. જેમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, માસ્ટર કી અને સેન્સર કીનો બખૂબીથી ઉપયોગ કરીને લોક ખોલીને હેરિયર લઈને પલવારમાં પલાયન થઈ જતા હતા, બન્ને શખસોએ 8 જેટલી હેરિયરની ચોરી કર્યાની કબુલાત કરી છે
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ટાટા હેરીયર લક્ઝુરીયસ કારની ચોરીના આંતરરાજ્ય રીઢા આરોપી રતનસિંહ ઉર્ફે શેરસિંહ મીણા (ઉ.વ. 50, રહે. જયપુર, રાજસ્થાન) અને દિલીપસિંહ ઉર્ફે કુંજ ગુર્જર (ઉ.વ. 36, રહે. સવાઇ માધોપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. આરોપીઓએ વડોદરા, સુરત અને હાલોલમાંથી 8 ટાટા હેરીયર કાર અને એક બાઈકની ચોરી કરી કર્યાની કબુલાત કરી છે. બન્ને શખસો વાહનચોરી કરવામાં માહેર ગણાય છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, માસ્ટર કી અને સેન્સર કીનો ઉપયોગ કરી હેપિયરની ચોરી કરતા હતા. આરોપીઓમાં રતનસિંહ અગાઉ લૂંટ, વાહન ચોરી, અપહરણ અને ખૂનની કોશિશ સહિત 100થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, માસ્ટર કી અને સેન્સર કીનો ઉપયોગ કરીને હેરિયર કારની ચોરી કરીને રાજસ્થાનમાં દિલીપસિંહને રૂ.2 લાખની કિંમતે વેચી દેતો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન રતનસિંહ પાસેથી માસ્ટર કી, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, કટર, મોબાઇલ ફોન, રોકડ, આધારકાર્ડ, પાનકાર્ડ અને ફાસ્ટેગ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથે ધરવામાં આવી છે. આરોપીઓએ વર્ષ 2024-25 દરમિયાન વડોદરા, હાલોલ અને કાલોલમાંથી 8 ટાટા હેરીયર ગાડીઓ અને એક મોટરસાયકલની ચોરી કરી હોવાનું ડિટેક્ટ થયું છે. આ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.