નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ વિસ્ફોટ IED બોમ્બનો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટ, ઇંધણ તેલ અને ડિટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે ઉમર મહંમદ, જે ફરીદાબાદના એક આતંકી મૉડ્યુલ સાથે સંકળાયેલ હતો, તેનો આ વિસ્ફોટ સાથે સીધો સંબંધ હોવાનું અનુમાન છે. ઉમર મહંમદ જૈશ-એ-મોહમ્મદના આતંકી નેટવર્કનો ભાગ હતો એવી માહિતી સામે આવી છે.
આ કેસમાં કાર માલિક તારિક (રહે, પુલવામા,જમ્મુ-કાશ્મીર)ની અટકાયત કરવામાં આવી છે. તારિકે જ ઉમર મહંમદને તે હ્યુન્ડાઈ i20 કાર આપી હતી જેમાં વિસ્ફોટ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, આતંકી મૉડ્યુલના અન્ય ડૉક્ટરોની ધરપકડ બાદ ઉમર મહંમદને પણ પકડાઈ જવાનો ડર હતો, દરમિયાન તેણે આ વિસ્ફોટ દ્વારા આતંકી હુમલાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.
દિલ્હી પોલીસની ટીમે તપાસ દરમિયાન પહાડગંજ વિસ્તારના એક હોટલમાંથી ચાર વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ હાલમાં ડૉ. ઉમર મહંમદ અને તેના સાથીઓને શોધી રહી છે, જેઓ આ હુમલામાં સામેલ હોવાનું માનવામાં આવે છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ આંતરરાષ્ટ્રીય આતંકી જોડાણોની શક્યતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં હજુ મોટા ખુલાસા થવાની શકયતા છે.


