
- ચાચરચોકમાં ભાવિકોએ ગરબાની રમઝટ બોલાવી,
- અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયુ,
- અંબાજીમાં ભક્તોની ભીડથી મેળા જેવું વાતાવરણ
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં નવરાત્રીના પ્રથમ દિવસથી યાત્રિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં શનિવાર અને રવિવારની રજાને લીધે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને માતાજીના દર્શન કરીને ચાચરચોકમાં ગરબે રમ્યા હતા, શક્તિપીઠ ગણાતા અંબાજીમાં નવરાત્રિનું અનેરું મહત્ત્વ છે મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરવા આવે છે.
અંબાજીમાં છેલ્લા બે દિવસથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જેમાં શનિવાર અને રવિવારે તો મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો લાગી હતી. અંબાજી મંદિરના ચાચર ચોકમાં રાત્રે 9 કલાકે માતાજીની મહાઆરતી થઈ હતી. આ મહાઆરતીમાં ચાચર ચોક ભક્તોથી ઉભરાઈ ગયો હતો, જ્યાં ભક્તો માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. માતાજીની મહાઆરતી કર્યા બાદ ગરબાની શરૂઆત થઈ હતી. ખેલૈયાઓએ ચાચર ચોકમાં ગરબે ઝૂમીને ભક્તિ સાથે ગરબાની રમઝટ જમાવી હતી.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં દરરોજ અલગ-અલગ ગાયક કલાકારો પોતાની પ્રસ્તુતિ આપીને ભક્તોને મંત્રમુગ્ધ કરે છે. મંદિરની ભવ્ય રોશની જોઈને પણ ભક્તોએ આનંદની લાગણી અનુભવી હતી. અંબાજી મંદિરના ચાચર ચોકમાં ખેલૈયાઓ રાત્રે 12 વાગ્યા સુધી ગરબા ઝૂમ્યા હતા. આ નવરાત્રિનો ઉત્સાહ જોવા અને તેમાં ભાગ લેવા માટે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ગરબા જોવા અને ખેલૈયાઓ ગરબા રમવા માટે અંબાજી આવે છે.