
- પ્રમુખપદ સંભાળ્યાને 13 દિવસમાં રાજીનામું આપ્યુ
- કલેકટરને આપેલા રાજીનામામાં પારિવારિક કારણ દર્શાવાયુ
- પ્રદેશ કક્ષાએ આદેશ મળ્યા બાદ રાજીનામું આપ્યાની ચર્ચા
ધોરાજીઃ રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે એકાએક પ્રમુખપદેથી રાજીનામું આપી દીધુ છે. માત્ર 13 દિવસ પ્રમુખપદ સંભાળ્યા બાદ રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. જો કે કલેકટરને આપેલા પત્રમાં અંગત પારિવારિક કારણોસર રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે. સંગીતા બારોટ પ્રમુખ બન્યા ત્યારથી જ વિવાદમાં હતાં. આ સિવાય તેમનો એક દારૂપાર્ટીનો વીડિયો પણ વાઈરલ થયો હતો. કહેવાય છે કે, પ્રદેશ સંગઠનના આદેશ બાદ તેમણે રાજીનામું આપ્યુ છે.
રાજકોટ જિલ્લામાં ધોરાજી નગરપાલિકામાં પરિવર્તન સાથે ભાજપનું સાશન આવતાની સાથે જ વિવાદ સર્જાયો હતો. ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલાંથી લઇ ચૂંટણીના પરિણામ બાદ ચર્ચામાં રહેલા પ્રમુખ સંગીતાબેન બારોટે એકાએક ધોરાજી નગરપાલિકના પ્રમુખપદ પરથી રાજીનામું આપી દેતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. પ્રદેશ કક્ષાની સૂચનાથી નિર્ણય લેવાયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
સૂત્રોના કહેવા મુજબ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સોનલ બારોટ નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો તેમજ હુક્કો ફૂંકવાનો વીડિયો વાઈરલ થયો હતો. આ સિવાય મીડિયા સાથેની વાતચીતમાં તેમને રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તે વિશે પણ ખબર નહતી. સતત વિવાદમાં આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશ બાદ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં પદ છોડવા માટે અંગત પારિવારિક કારણ જવાબદાર હોવાનું જણાવાયું છે.
ધોરાજી નગરપાલિકાના સોનલ બારોટ નવા પ્રમુખ બન્યા ત્યારે તેમની જીભ લપસી હતી અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે સંબોધી દીધા હતાં. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો. જોકે, જેવી જ જીભ લપસી કે આસપાસના લોકો દ્વારા સોનલ બારોટની ભૂલ સુધારી દીધઈ હતી. તેમ છતાં નગરપાલિકાના પ્રમુખ હોવા છતાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન વચ્ચેનો ભેદ ન ખબર હોવાના કારણે ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. (File photo)