1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમેરિકાએ ટેરિફ ઘટાડતા હીરા ઉદ્યોગમાં તેજીની શક્યતા, નવા ઓર્ડર મળશે
અમેરિકાએ ટેરિફ ઘટાડતા હીરા ઉદ્યોગમાં તેજીની શક્યતા,  નવા ઓર્ડર મળશે

અમેરિકાએ ટેરિફ ઘટાડતા હીરા ઉદ્યોગમાં તેજીની શક્યતા, નવા ઓર્ડર મળશે

0
Social Share

સુરત, 5 ફેબ્રુઆરી 2026:  અમેરિકાએ ભારતથી થતી નિકાસ પર લાદેલો 50 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરતા સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને મોટો ફાયદો થશે. ગુજરાતમાં હીરા ઉદ્યોગ એ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા વખતથી હીરા ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા 6 મહિનામાં તો હીરાના ઘણાબધા કારખાનાને તાળાં લાગી ગયા છે. અમેરિકાએ ટેરિફમાં ઘટાડો કરતા હીરા ઉદ્યોગમાં તેજી આવવાનો અણસાર મળી રહ્યો છે. અને નવા ઓર્ડર મળવાની હીરા ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે.

ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગ માટે અમેરિકા સૌથી મોટું  બજાર છે. હીરા અને ઝવેરાતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ ૩૦ ટકા છે અને વાર્ષિક અંદાજે ૧૦ અબજ ડોલર (૧૦ બિલિયન ડોલર)ની નિકાસ થાય છે. જેમાંથી ૭ થી ૮ અબજ ડોલર હીરાની નિકાસ હોય છે, પરંતુ ૨૦૨૫માં અમેરિકાએ પહેલાં ૨૫ % અને પછી વધારાના ૨૫ %નો ટેરિફ લાદ્યો હતો. જેના કારણે કુલ ટેરિફ ૫૦ % થતા ગત એપ્રિલથી ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન અમેરિકામાં ભારતીય હીરા-ઝવેરાતની નિકાસ પાછલા વર્ષે ૬.૯૫ અબજ ડોલરની તુલનાએ ૪૪.૪ % ઘટીને માત્ર ૩.૮૬ અબજ ડોલર રહી ગઈ હતી. ગત ડિસેમ્બર ૨૦૨૫ માં આ નિકાસ ૫૦% થી વધુ ઘટી ગઈ હતી.

સુરતના કતારગામ સ્થિત ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ ટેરિફ ઘટાડાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વધુ પડતા ટેરિફના કારણે સુરતના હીરાના પોલિશિંગ યુનિટ્સમાં લાખો કામદારો પર નોકરીનું સંકટ મંડરાઈ રહ્યું હતું. ઉદ્યોગને માર્જિન પર ભારે દબાણ આવ્યું હતું, કેશફ્લો અટવાઈ ગયો હતો. હવે ૧૮ % ના ટેરિફ થતા હીરાઉદ્યોગમાં નવી ઉર્જાનો સંચાર થશે. ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝના અહેવાલ અનુસાર આ ટેરિફ કટથી હીરાના નિકાસકારોને હવે વધુ સસ્તી કિંમતે માલ વેચવાની તક મળશે. જેથી નવા ઓર્ડર પાછા મેળવી શકાશે, જેનાથી મધ્યમ ગાળાના વિકાસ અને રોજગારીને મજબૂતી મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code