
- એમએસ યુનિવર્સિટીમાં અત્યાર સુધી રિસર્ચ એન્ડ કન્સલન્ટસી સેલ કાર્યરત હતો,
- ડિરેકટોરેટ ઓફ રિસર્ચની સ્થાપનાથી સંશોધન કાર્યને વધુ પ્રોત્સાહન મળશે,
- યુનિવર્સિટીમાં મહત્તમ સેમિનાર, વર્કશોપ યોજાશે અને જર્નલોમાં રિસર્ચ પેપરો પ્રકાશિત થશે
વડોદરાઃ દેશમાં અવનવા રિસર્ચ માટે એમ એસ યુનિવર્સિટી પ્રતિષ્ઠિત ગણાય છે. ત્યારે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટની જોગવાઈ પ્રમાણે યુનિવર્સિટીમાં ડિરેકટોરેટ ઓફ રિસર્ચની સ્થાપના કરી છે. જેનો મુખ્ય ઉદ્દેશ યુનિવર્સિટીમાં રિસર્ચને પ્રોત્સાહન આપવાનો છે.
વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં અત્યાર સુધી રિસર્ચને ધ્યાનમાં રાખીને રિસર્ચ એન્ડ કન્સલન્ટસી સેલ કાર્યરત હતો.જેને હવે ડિરેકટોરેટ ઓફ રિસર્ચમાં ભેળવી દેવામાં આવ્યો છે.વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ ડિરેકટોરેટ ઓફ રિસર્ચના ડાયરેકટર તરીકે ફિઝિક્સના વરિષ્ઠ અધ્યાપક પ્રો. પી કે ઝા અને એસોસિએટ ડાયરેકટર તરીકે કેમેસ્ટ્રી વિભાગના વરિષ્ઠ અધ્યાપક પ્રો.અંજલિ પટેલની નિમણૂક કરી છે.આ બંને અધ્યાપકો સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી દ્વારા બહાર પડાયેલા વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાાનિકોમાં સ્થાન ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એમ એસ યુનિવર્સિટીમાં ડિરેકટોરેટ ઓફ રિસર્ચ દ્વારા ઉદ્યોગો સાથે જોડાણ કરીને રિસર્ચને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થશે.સાથે સાથે યુનિવર્સિટીમાં થતા રિસર્ચની જાણકારી સમાજ સુધી પહોંચે તેવો પણ ધ્યેય છે. યુનિવર્સિટીમાં મહત્તમ સેમિનાર, વર્કશોપ યોજવામાં આવશે.તેની સાથે જર્નલોમાં અધ્યાપકોના રિસર્ચ પેપરો પ્રકાશિત થાય તેના પર ધ્યાન અપાશે.રિસર્ચ એન્ડ કન્સલન્ટન્સી સેલની જેમ ડિરેકટોરેટ ઓફ રિસર્ચ પણ અધઅયાપકોને રિસર્ચ માટે ગ્રાંટ આપશે.