- એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો બિનવારસી બેગમાંથી મળ્યો,
- વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ નજીક બિન વારસી બેગ મળી હતી,
- અજાણ્યા શખસો પોલીસના ડરથી બેગ મુકીને નાસી ગયા
અમદાવાદઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ગુજરાત આવતી ટ્રેનોમાં ડ્રગ્સ અને દારૂની હેરાફેરી વધી રહી છે. ત્યારે રેલવે પોલીસે ગઈકાલે રવિવારે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ એક મોટી કાર્યવાહીમાં હિંમતનગર રેલ્વે સ્ટેશન પરથી 79 લાખથી વધુની કિંમતનો એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આ જથ્થો એક બિનવારસી બેગમાંથી મળી આવ્યો હતો.
રેલવે પોલીસના સૂત્રોના કહેવા મુજબ હિંમતનગર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2/3 પર વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનના આગળના જનરલ કોચ નજીક ગ્રે રંગની સોલ્ડર બેગ સવારે લગભગ 9 વાગ્યે મળી આવી હતી. રૂટિન તપાસ દરમિયાન હિંમતનગર રેલ્વે આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલનું સૌથી પહેલાં આ બેગ ઉપર ધ્યાન ગયું હતું. જોકે, કોઈ પણ મુસાફર બેગ લેવા આગળ ન આવતા, પોલીસે પ્રાથમિક તપાસ કરી અને તેમાં માદક પદાર્થ હોવાની શંકા ગઈ. ત્યાર બાદ આ અંગે તુરંત જ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
પોલીસ પ્રોટોકોલ મુજબ, પંચ સાક્ષીઓ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અધિકારીઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ટીમે બેગ ખોલી તો તેમાંથી કપડાં અને ખાખી સેલોટેપમાં લપેટાયેલા ત્રણ પેકેટ મળી આવ્યા હતા. FSL અધિકારી દ્વારા સ્થળ પર જ કરાયેલા ટેસ્ટમાં પુષ્ટિ થઈ કે, બે પેકેટમાં એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇન ડ્રગ્સ હતું, જ્યારે ત્રીજું પેકેટ નેગેટિવ આવ્યું હતું. ટ્રેનમાંથી મળી આવેલા આ જથ્થાનું વજવ 792.11 ગ્રામ હતું અને બજારમાં તેની કિંમત 10,000 પ્રતિ ગ્રામ લેખે કુલ 79.21 લાખ હતી.
પોલીસને શંકા છે કે, આ માદક પદાર્થનો જથ્થો મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી લાવવામાં આવી રહ્યો હતો અને રેલ્વે પોલીસ દ્વારા પકડાવાના ડરથી અજાણ્યા વ્યક્તિઓ તેને છોડીને જ ત્યાંથી ભાગી ગયા હતા. કબ્જે કરાયેલા ડ્રગ્સના જથ્થાને સીલ કરીને NDPS એક્ટની માર્ગદર્શિકા મુજબ આગળની ચકાસણી માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને અમદાવાદ રેલ્વે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે, આ જપ્તી ટ્રેન દ્વારા થતી આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીની વધતી પેટર્ન તરફ ઈશારો કરે છે. હાલમાં આ કન્સાઈનમેન્ટના મૂળ અને તેના હેતુપૂર્વકના પ્રાપ્તકર્તાઓને શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.


