1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહેસાણામાં પોલીસ ભરતીમાં પરીક્ષા આપવા આવેલો ડમી ઉમેદવાર પકડાયો
મહેસાણામાં પોલીસ ભરતીમાં પરીક્ષા આપવા આવેલો ડમી ઉમેદવાર પકડાયો

મહેસાણામાં પોલીસ ભરતીમાં પરીક્ષા આપવા આવેલો ડમી ઉમેદવાર પકડાયો

0
Social Share
  • આરોપી પોતે પોલીસ દેડમાં નાપાસ થયો હતો
  • મિત્રના કોલ લેટર લઈને પરીક્ષા આપવા આવ્યો
  • રજિસ્ટ્રેશન સમયે જ ફેક ઉમેદવાર પકડાયો

મહેસાણાઃ સરકારી નોકરી મેળવવા માટે બેરોજગાર યુવાનો ન કરવાનું કરી દેતા હોય છે. રાજ્યભરમાં હાલ પોલીસમાં લોક રક્ષક અને પીએસઆઈની ભરતી માટે શારીરિક પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં મહેસાણામાં એક ઉમેદવાર પોતાના મિત્રના કોલ લેટર પર શારીરિક પરીક્ષા આપતા ઝડપાઈ ગયો હતો. પોલીસે આ યુવકની અટક કરીને પૂછપરછ હાથ ધરી છે.

મહેસાણાના પોલીસ ગ્રાઉન્ડ પર મિત્રના કોલ લેટર ઉપર કોન્સ્ટેબલ અને પીએસઆઇની પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં દોડવા આવેલા કલોલના ડમી ઉમેદવાર રજીસ્ટ્રેશન દરમિયાન જ પકડાઈ ગયો હતો. ખોટો કોલલેટર બનાવી આવેલા આ યુવક સામે વાયરલેસ પીએસઆઇએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સમગ્ર રાજ્યની સાથે મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર પણ પોલીસ લોકરક્ષક અને પીએસઆઇની ભરતી પરીક્ષાની શારીરિક કસોટી ચાલી રહી છે. જેમાં 22 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસની ટીમ વિવિધ ઉમેદવારોની શારીરિક પરીક્ષા લઈ રહી હતી. ત્યારે એક ઉમેદવારને ચેસ્ટ નંબર 0921 પહેરાવીને ખાનગી એજન્સીના કર્મચારી દ્વારા દોડવા માટેની A ટુ 4129 અને c-c 8475 નંબરની ચીપ પહેરાવી લોક કરીને તેનું રજીસ્ટ્રેશન કરવા માટે એક નંબરના કાઉન્ટર ઉપર મોકલ્યો હતો. રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપરના કર્મચારી દ્વારા તેનું રજીસ્ટ્રેશન કરતાં તેમાં ઉમેદવારનું રજીસ્ટ્રેશન અગાઉથી થઈ ગયું હોવાનું ખબર પડી હતી. જેને લઈ કર્મચારીએ ડીવાયએસપી એ.આર.પાંડોરને વાત કરતાં રજીસ્ટ્રેશન પાંચ નંબરના કાઉન્ટરના કર્મચારીએ ફરીથી તેનું રજીસ્ટ્રેશન કરતાં બીજી વખત પણ તેનું રજીસ્ટ્રેશન થઈ ગયું હોવાનું બતાવ્યું હતું. સવારે 7:45 વાગે બનેલી ઘટના અંગે પોલીસની ટીમ દ્વારા ઉમેદવારના કોલલેટરની તપાસ હાથ ધરતાં તેમાં દીપકુમાર દિનેશભાઈ પરમાર (રહે. 14 સાંઈકૃપા સોસાયટી, રેલવે પૂર્વ કલોલ) અને બેઠક ક્રમાંક 10362020 તેમજ શારીરિક કસોટીની તારીખ 22 જાન્યુઆરી તેમજ હાજર રહેવાનો સમય 07:00 એએમ પરીક્ષા કેન્દ્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણાનું હતું. ગ્રાઉન્ડના ઇન્ચાર્જ પાસે ફરીથી તે કોલલેટરની ચકાસણી કરાવતાં ખબર પડી હતી કે આ બેઠક ક્રમાંકનો સાચો ઉમેદવાર ચિરાગકુમાર ધુળાજી ઠાકોર છે. સમગ્ર બાબતે ડીવાયએસપી પાંડોર દ્વારા ઉમેદવારનો કોલલેટર ભરતી બોર્ડ ગાંધીનગરના અધિકારીને વ્હોટ્સ એપ કરતાં ચિરાગ ઠાકોર નામના ઉમેદવારનો ખોટો કોલલેટર બનાવીને દીપ પરમાર દોડની શારીરિક પરીક્ષા આપવા આવ્યો હોવાનું કન્ફર્મ થઈ જતાં ઉચ્ચ અધિકારીની સૂચનાને આધારે મહેસાણાના વાયરલેસ પીએસઆઇ જયદીપ પટેલે ખોટો કોલલેટર બનાવીને દોડની પરીક્ષા આપવા આવેલા દીપ પરમાર સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે દીપ પરમારની પ્રાથમિક પૂછપરછ કરતાં જે ઉમેદવારનો તેણે ખોટો કોલલેટર બનાવ્યો છે તે ચિરાગ ધુળાજી ઠાકોર તેનો મિત્ર છે અને તેણે ચિરાગ પાસે તેનો કોલલેટર માગતાં 9 જાન્યુઆરી 2025ના રોજ તેણે તેના કોલલેટરની પીડીએફ દીપ પરમારને મોકલી હતી અને ત્યારબાદ દીપ દ્વારા મોબાઈલમાં જ ગુગલ ક્રોમમાંથી કોલલેટરની પીડીએફમાં એડિટરમાં જઈ એડિટ કરી તેના મિત્ર ચિરાગ ઠાકોરના કોલલેટરમાં પોતાનું નામ લખી ખોટો કોલલેટર બનાવી તેની પ્રિન્ટ કાઢીને પરીક્ષા આપવા આવ્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે ખોટા કોલલેટર મામલે વધુ તપાસ હાથ ધરતાં જે ઉમેદવારના નામનો ખોટો કોલલેટર દીપ પરમારે બનાવ્યો હતો, તે ચિરાગ ધુળાજી ઠાકોર રહે. વાગોસનું પરું, રેલવે પૂર્વ કલોલ, ગાંધીનગર 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે શારીરિક દોડની પરીક્ષા આપી ચૂક્યો હતો અને તેમાં તે નાપાસ થયો હોવાની ખબર પડી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code