- ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર
- ઉપલેટાથી 30 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું
રાજકોટ, 9 જાન્યુઆરી 2026: સૌરાષ્ટ્ર-કચ્છમાં અનારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધી સાત જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારથી બપોર સુધીમાં 6 આંચકા અનુભવાતા જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભય વ્યાપી ગયો હતો. સવારે ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. કોઈ જાનહાનિના ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે સલામતીને લઇને ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગુરૂવારે સાંજે 4 વાગ્યાને 43 મિનિટે પહેલો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધીમાં દોઢ કલાકમાં છ આંચકા નોંધાતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 27થી 30 કિલોમીટરના અંતરે નોંધાયા છે. જ્યારે રિકટર સ્કેલ પર તીવ્રતા 3.5 થી 3.8ની હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારથી ઉપરા ઉપરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખાસ કરીને જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના આસપાસના ગામોમાં ધરતી ધ્રૂજી હોવાનો અહેસાસ થયો હતો. બે હજારની સાલના ભૂકંપના પુનરાવર્તન થાય તેવી લોકોમાં દહેશત વ્યાપી છે.
સતત ભૂકંપના આંચકાથી ધોરાજી અને જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વહેલી સવારે વિદ્યાર્થીઓ રોજના સમય પ્રમાણે શાળાએ પહોંચ્યા હતા, પરંતુ સલામતીને લઇને રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે નિર્ણય લઇને વિદ્યાર્થીઓને પરત મોકલવા શાળાના આચર્યોને જાણ કરી હતી. તેમજ કોઇ બિલ્ડિંગને ક્ષતિ થઇ હોય એમાં હવેથી વિદ્યાર્થીઓને ન બેસાડવામાં સૂચના આપવામાં આવી છે. ધોરાજી તાલુકાની 48 શાળાઓ અને જેતપુર તાલુકાની 70 શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.


