
મેઘાલયમાં કેબિનેટ ફેરફાર પહેલા 8 મંત્રીઓએ આપ્યા રાજીનામું, નવા ચહેરાઓને મળશે સ્થાન
શિલોંગઃ મેઘાલયમાં મંગળવારે થનારા કેબિનેટ ફેરફાર પહેલા રાજ્યના આઠ મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. જેમાં એ.એલ. હેક, પૉલ લિંગદોહ અને અમ્પારીન લિંગદોહ સહિતના નામો સામેલ છે. એનપીપીની આગેવાની હેઠળની મેઘાલય ડેમોક્રેટિક અલાયન્સ સરકારના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ આજે રાજ્યપાલ સી.એચ. વિજયશંકરને મળી તમામ મંત્રીઓના રાજીનામા સોંપ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા મંત્રીઓને મંગળવારે સાંજે રાજભવન ખાતે શપથ ગ્રહણ કરાવવામાં આવશે. રાજીનામું આપનારા આઠ મંત્રીઓમાં એનપીપીના અમ્પારીન લિંગદોહ, કોમિંગોન યમ્બોન, રક્કમ એ. સંગમા અને અબુ તાહિર મંડલ, યુડિપીનાં પૉલ લિંગદોહ અને કિર્મેન શાયલા, એચએસપીડિપીનાં શકલિયાર વાર્જરી તેમજ ભાજપનાં એ.એલ. હેક સામેલ છે.
તેમના રાજીનામા બાદ હવે નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ એનપીપીના ધારાસભ્યો વૈલાદમિકી શાયલા, સોસ્થેનિસ સોહતુન, બ્રેનિંગ એ. સંગમા અને ટિમોથી ડી. શિરા મંત્રીમંડળમાં સામેલ થવાની શક્યતા છે.
યુડિપી પ્રમુખ મેથબાહ લિંગદોહ અને ભૂતપૂર્વ મંત્રી લખમેન રિમ્બુઈને પણ શપથ લેવડાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ એચએસપીડિપીનાં ધારાસભ્ય મેથોડિયસ દખાર, શકલિયાર વાર્જરીની જગ્યાએ સ્થાન લેશે, જ્યારે ભાજપ તરફથી એ.એલ. હેકની જગ્યાએ સનબોર શુલ્લઈને કેબિનેટમાં સ્થાન મળશે.