
નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા જિલ્લાના કિસ્તારામ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સૈનિકોએ એક નક્સલીને ઠાર કર્યો છે. તેમજ અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા શોધખોળની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સુકમા બીજાપુર સરહદ પર સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં એક નક્સલીને ઠાર માર્યો હતો.
સુકમા પોલીસે જણાવ્યું હતું કે, ” સુકમા જિલ્લાના કિસ્તારામ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલી રહ્યો છે. સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટર સ્થળ અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.”
છત્તીસગઢમાં નક્સલીઓના ગઢ ગણાતા બસ્તર વિભાગને નક્સલવાદથી મુક્ત કરાવવા માટે સૈનિકોનું અભિયાન ચાલી રહ્યું છે. નક્સલીઓના એન્કાઉન્ટર સતત થઈ રહ્યા છે. આના કારણે નક્સલવાદીઓ નબળા પડી રહ્યા છે. નક્સલ મોરચે ફોર્સને એક પછી એક મોટી સફળતા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સૈનિકોએ દેશના સૌથી ખતરનાક નક્સલી બસવરાજુ સહિત ૨૭ નક્સલીઓને મારી નાખ્યા હતા. નારાયણપુર જિલ્લાના અબુઝહમાડમાં ડીઆરજી જવાનો અને નક્સલીઓ વચ્ચે આ દેશનું સૌથી મોટું નક્સલી ઓપરેશન હતું. મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા. આ એન્કાઉન્ટરમાં બે સૈનિકો શહીદ થયા હતા.