
ગુજરાતમાં 12 રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ વિના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે
- રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ ઓછી કરવા નિર્ણય લેવાશે
- વેસ્ટર્ન રેલવે દ્વારા બોર્ડને દરખાસ્ત કરવામાં આવી
- મહત્વનાં રેલવે સ્ટેશનો પર મેટ્રો જેવી એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ અસ્તિત્વમાં આવશે.
અમદાવાદઃ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડને નિયંત્રિત કરવા માટે હવે ટ્રેનની કન્ફર્મ ટિકિટ હોય એવા પ્રવાસીઓને રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે. આ અંગે વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે બોર્ડને દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 12 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે. અમદાવાદનાં કાલુપુર સ્ટેશન ઉપરાંત અસારવા તથા સાબરમતી સ્ટેશનો તેમજ વડોદરા, સુરત, વાપી, ઉધના સહિતનાં સ્ટેશનો પર ટ્રેનની કન્ફર્મ ટિકિટ વિના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે
અમદાવાદ સહિત રેલવે સ્ટેશનોએ હાલ કોઈપણ વ્યક્તિ સરળતાથી દાખલ થઈ શકે છે. તેને બદલે હવે મહત્વનાં રેલવે સ્ટેશનો પર પણ મેટ્રો જેવી એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ અસ્તિત્વમાં આવશે. મતલબ કે પ્રવાસીની ટિકિટ સ્કેન થયા બાદ જ તેને રેલવે સ્ટેશનમાં એન્ટ્રી મળશે. મુંબઈ અને ગુજરાતનાં 12 મહત્વનાં સ્ટેશનોએ આવી સિસ્ટમ લાગુ કરવા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ છે. બોર્ડને જે દરખાસ્ત કરવામાં આવી છે. તેની યાદીમાં મુંબઈનાં સ્ટેશનોમાં બોરીવલી, અંધેરી અને બાંદરા ટર્મિનસનો સમાવેશ થાય છે. આમાંથી બોરીવલી અને બાંદરા ટર્મિનસથી ગુજરાત આવતી જતી ટ્રેનો થોભે છે. બીજી તરફ અંધેરી મુંબઈનું વેસ્ટર્ન લાઈનનું લોકલ ટ્રેનોનું મહત્વનું મથક છે. અહીંથી જ મેટ્રો સેવાઓ સાથે ઈન્ટરચેન્જ પણ સામેલ છે.
ગુજરાતનાં અમદાવાદનાં કાલુપુર સ્ટેશન ઉપરાંત અસારવા તથા સાબરમતી સ્ટેશનો તેમજ વડોદરા, સુરત, વાપી, ઉધના સહિતનાં સ્ટેશનો પણ આ યાદીમાં સામેલ છે. મઘ્યપ્રદેશનાં ઉજ્જૈન સ્ટેશને પણ આ સિસ્ટમ લાગુ પાડવા સૂચવાયું છે. હાલ રેલવે દ્વારા દેશભરનાં અનેક સ્ટેશનોનાં રિડમોડેલિંગ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. રેલવે સ્ટેશનો પર હાલ કોઈપણ વ્યક્તિ સરળતાથી પહોંચી શકે તેવી પ્રથા નાબૂદ કરી એક્સેસ કન્ટ્રોલનો નિર્ણય લેવાયો છે. ઉધના જેવાં સ્ટેશનોએ અગાઉ ભારે ભીડના કારણે ભાગદડના બનાવો બન્યા હોવાથી ત્યાં પણ કન્ફર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને જ એન્ટ્રીનું વિચારાયું છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના કહેવા મુજબ આ બાબત હજી પ્રારંભિક તબક્કે છે. ફક્ત નામોની યાદી રેલવે બોર્ડને મોકલાઈ છે. જો તેને મંજૂરી મળી તો સંબંધિત સ્ટેશનોએ ઈન્ફ્રાસ્ટ્રકચરને લગતા કેટલાક ફેરફાર થશે. આ સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટસ સુનિશ્ચિત કરી ત્યાં સ્કેનર્સ બેસાડવામાં આવશે. પ્રવાસીઓ પોતાની ટિકિટ સ્કેન કરાવ્યા બાદ જ સ્ટેશનની અંદર પ્રવેશી શકશે. તેના કારણે પ્લેટફોર્મ પરની ભીડ નિવારી શકાશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનોએ સલામતી અને ચોખ્ખાઈની જાળવણીમાં પણ મદદ મળશે. હાલ સંખ્યાબંધ રેલવે સ્ટેશનોએ ભાગદોડના બનાવો બને ત્યારે રેલવે કેટલાક દિવસો માટે મોટાં સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટસનું વેચાણ અટકાવી દે છે. જોકે, ભવિષ્યમાં મોટાં સ્ટેશનો પર કન્ફર્મ ટિકિટ હોય તેમને જ સ્ટેશનમાં એન્ટ્રીની સિસ્ટમ આવી ગયા બાદ આવા કામચલાઉ પ્રતિબંધો લાદવાની જરુર પણ નહીં રહે.