ઇન્ડોનેશિયામાં હાઇસ્કૂલના કેમ્પસમાં વિસ્ફોટ, બાળકો સહિત 54 લોકો ઘાયલ
નવી દિલ્હી: ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક હાઇસ્કૂલના કેમ્પસમાં નમાજ દરમિયાન વિસ્ફોટ થયા હતો. આ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 54 લોકો ઘાયલ થયા હતા, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. વિસ્ફોટોનું કારણ જાણવા નથી મળ્યું. જકાર્તા પોલીસે જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં સંકેત મળ્યો છે કે વિસ્ફોટ મસ્જિદના લાઉડસ્પીકર પાસે થયા હતા.
જકાર્તા પોલીસે જણાવ્યું કે પોલીસ એન્ટી બોમ્બ સ્ક્વોડ દ્વારા મસ્જિદની તપાસ કરવામાં આવી હતી. તપાસ ટીમને ઘટનાસ્થળેથી એક રમકડાની રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી હતી. વિસ્ફોટના કારણની તપાસ ચાલી રહી છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં દાખલ થયેલા કેટલાક વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. લગભગ 20 વિદ્યાર્થીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. પોલીસ વડા સુહેરીએ જનતાને અપીલ કરી કે તેઓ આ ઘટના અંગે ઉતાવળે કોઈ નિષ્કર્ષ પર ન આવે કે અફવાઓ ન ફેલાવે. તેમણે કહ્યું કે પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી હકીકતો જાહેર કરવામાં આવશે.


