
નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોને પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ વિશે માહિતી આપી. તેમણે બેઠકમાં ભારતીય સેનાની પણ પ્રશંસા કરી. કેબિનેટ બેઠકની શરૂઆતમાં, કેબિનેટ મંત્રીઓએ ‘ઓપરેશન સિંદૂર’ માટે પીએમ મોદીને અભિનંદન આપ્યા.
મંત્રીમંડળના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ તેની તૈયારીઓ અનુસાર અને કોઈપણ ભૂલ વિના ઓપરેશન હાથ ધર્યું હતું. તમામ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓએ વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આખો દેશ તેમની સાથે છે. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ સેનાની પ્રશંસા કરી અને તેને ગર્વની ક્ષણ ગણાવી.
વડા પ્રધાન મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે આખી રાત ‘ઓપરેશન સિંદૂર’નું નિરીક્ષણ કરી રહ્યા હતા. સૂત્રોએ પુષ્ટિ આપી કે વડા પ્રધાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને લશ્કરી કમાન્ડરો સાથે સતત સંપર્કમાં હતા જેથી ખાતરી કરી શકાય કે ઓપરેશન યોજના મુજબ આગળ વધે.
દરમિયાન, ભારતીય સેના, વાયુસેના અને વિદેશ મંત્રાલયે ‘ઓપરેશન સિંદૂર’ પર સંયુક્ત પ્રેસ બ્રીફિંગ યોજી હતી, જેમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ ભાગ લીધો હતો. લશ્કરી અધિકારીઓએ આતંકવાદીઓના ઠેકાણાઓ પર થયેલા હુમલાઓની ક્લિપ્સ પણ બતાવી.
કર્નલ સોફિયા કુરેશીએ આ ઓપરેશન વિશે જણાવ્યું હતું કે, “પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય અપાવવા માટે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું હતું. 9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદી માળખાકીય સુવિધાઓ બનાવવામાં આવી રહી હતી, જે પાકિસ્તાન અને પીઓકે બંનેમાં ફેલાયેલી છે. હું તમને જણાવવા માંગુ છું કે પીઓકેમાં પહેલું લક્ષ્ય મુઝફ્ફરાબાદમાં સવાઈ નાલા કેમ્પ હતું, જે નિયંત્રણ રેખાથી 30 કિલોમીટર દૂર સ્થિત છે. તે લશ્કર-એ-તૈયબાનું તાલીમ કેન્દ્ર હતું. 20 ઓક્ટોબર 2024ના રોજ સોનમર્ગ, 24 ઓક્ટોબર 2024ના રોજ ગુલમર્ગ અને 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ આતંકવાદીઓએ અહીંથી તાલીમ લીધી હતી.”
વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે, “આ હુમલો રાત્રે ૧.૦૫ થી ૧.૩૦ વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું હતું. નવ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો. નાગરિક માળખાને નુકસાન ટાળવા અને કોઈપણ નાગરિક જીવનું નુકસાન ટાળવા માટે સ્થાનો પસંદ કરવામાં આવ્યા હતા.”