
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુરુકુળ વિદ્યાર્થીઓની નૃત્ય પ્રદર્શનથી થઈ હતી. સત્રના મુખ્ય મહેમાન તરીકે શ્રી મુળુભાઇ બેરા ( વન પર્યાવરણ અને પર્યટન મંત્રી ) , પ.પૂ. વિષ્ણુનામદાસપ્રભુ ( ઇસ્કોન મંદિર, વૃંદાવન ) , શ્રી મનસુખગીરી મહારાજ ( ચોટીલા મંદિર, ચામુંડા ) હાજર રહ્યા હતા. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને તેમને સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ખૂબ જ સુંદર મહિષાસુર મહિની- આચાર્ય વંદન પ્રસ્તુતિ વિવિધ શાળાઓની કુલ ૧૦૦૮ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવી. તેનું સંકલન શ્રી સરખેજ સાર્વજનિક પ્રાથમિક શાળા આચાર્ય વેદાંગભાઈ રાજગુરુ હેઠળ થયું હતું. પ્રસ્તુતિ બાદ ભાગવદ સોલાના ઋષિઓની પ્રાર્થના દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ તેમના ગુરુની પૂજા કરી.
ગુજરાત રાજ્યના વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ મહિષાસુર મર્દિની સ્તોત્રના નૃત્યાભિનય તથા આચાર્ય વંદનામાં ઉપસ્થિત વિદ્યાર્થી,વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો અને શિક્ષિકાઓને તથા હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાના પેરણાત્મક ભવ્ય આયોજન માટે આયોજકોને અભિનંદન આપતા પોતાના ભાષણમાં જણાવ્યું કે હજુ ગઈકાલે આ મેળાનું ઉદ્ઘાટન થયું છે અને પ્રથમ દિવસે જ લગભગ એક લાખ લોકોએ આ મેળાની મુલાકાત લીધી છે. સર્જનાત્મકતા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય આ મેળામાં થયેલો છે. હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનના વન અને વન્ય જીવોનું રક્ષણ, જીવ સૃષ્ટિનું સંતુલન, નિરંતર પર્યાવરણની જાળૅવણી, પારિવારિક તથા માનવીય મૂલ્યોનું જતન, નારી સન્માનની અભિવૃદ્ધિ અને રાષ્ટ્રભક્તિ જાગરણ એ છ મૂલભુત સિદ્ધાંતોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે આપણી સંસ્કૃતિમાં સદીઓથી સેવાનું ખુબ જ મહત્વ છે એક તરફ મહાકુંભ ચાલી રહ્યો છે અને બીજી તરફ અહિં આ હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન થયું છે તેનું અનેરૂ મહત્વ છે. આ ઉપરાંત તેમણે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં આવેલા બે પવિત્ર જ્યોતિર્લિંગો, શક્તિપીઠો, 350 કરતા વધારે મંદિરો તથા અન્ય પવિત્ર ધાર્મિક સ્થાનોના વિકાસ માટે લેવામાં આવેલા તથા આગામી સમયમાં લેવામાં આવનારા પ્રયાસો અને પગલાઓની માહિતી આપી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય શ્રી વિષ્ણુનામદાસપ્રભુ (ઇસ્કોન મંદિર, વૃંદાવન) એ કહ્યું કે આટલો સુંદર સંઘ મળવો ભગવાનની કૃપા વગર સંભવ નથી. આધ્યાત્મિક અને સેવા મેળો એનો પાયો જ આચાર્ય વંદના છે એના વગર આવડુ મોટુ આયોજન સંભવ જ નથી અને આજે સનાતન ધર્મની સાચી પદ્ધતિ મુજબ કેવી રીતે ગુરૂનું પૂજન કરવું જોઇએ તે આચાર્ય વંદનાનું આજે પ્રશિક્ષણ આપવામાં આવ્યું. તેમણે સમજાવતા કહ્યું કે સનાતન ધર્મ તો જીવાત્માના શાશ્વત અંગ રૂપ છે. તેને કોઈ આદિ કે અંત નથી. તેથી તે અચળ છે. શ્રદ્ધા બદલાઈ શકે છે પરંતુ સનાતન ધર્મ કદી બદલાતો નથી. તેને કોઈ સીમા વડે માપી ન શકાય કે બાંધી ન શકાય. તદુરાંત ગુરુ કે આચાર્ય કોણ થઈ શકે તેના વિશે માર્ગદર્શન આપતા કહ્યું કે જન્મથી જ કોઈ ગુરુ નથી, પોતાના આચરણ દ્વારા જ ગુરુ બની શકાય છે. આ વિચારને શ્રીપ્રભુપાદે તેમના જીવનમાં સાર્થક કર્યો છે. શ્રી વિષ્ણુનામદાસપ્રભુએ શ્રી હરિદાસ ઠાકુરના જ્ઞાનની પણ જાણ કરી. લોકોને સનાતન ધર્મ પ્રસારના નિવેદન કરતાં દર્શાવ્યું કે જે વ્યક્તિ સનાતન ધર્મનું આચરણ અને પ્રચાર બંને કરે છે તે ગુરુ છે. આ લક્ષ્ય સિદ્ધ કરવા તેમણે સંસ્થા અને સહભાગીઓને આશીર્વાદ આપ્યા.
સાંજે 4 કલાકે ભારત પુનરુત્થાનમાં વ્યાવસાયિકોની ભૂમિકા કાર્યક્રમમાં યુનેસ્કો-એમજીઆઈબીના ચેરમેન અને પ્રોફેસર ભગવતી પ્રકાશ શર્માએ દેશના વિકાસમાં વ્યાવસાયિકોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં એક હાજરથી વધુ સંખ્યામાં વ્યાવસાયિકો જોડાયા હતા. અંતમાં શ્રી કિર્તીભાઇ ભટ્ટએ આભાર વિધિથી દિવસના પ્રથમ સત્રનું સમાપન કર્યું. જેમાં શ્રી તુલસીરામ ટેકવાણી (પ્રાંત અધ્યક્ષ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન), શ્રી ઘનશ્યામ વ્યાસ ( સચિવ , હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન) , ડો. ભાગ્યેશ જહા, સાધુ-સંતો, મહંતો, પ્રબુદ્ધ નાગરિકો, કાર્યકરો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ- આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.