1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડગામના માહીમાં નકલી ઘીની ફેકટરી પકડાઈ, 1513 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું
વડગામના માહીમાં નકલી ઘીની ફેકટરી પકડાઈ, 1513 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું

વડગામના માહીમાં નકલી ઘીની ફેકટરી પકડાઈ, 1513 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું

0
Social Share

પાલનપુર,12 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના વડગામ તાલુકાના માહીમાંથી નકલી ઘી બનાવતી ફેકટરીમાં ફૂડ વિભાગે રેડ પાડીને  રૂપિયા 3.67 લાખની કિંમતનો શંકાસ્પદ ગણાતો 1513 કિલો ઘી જથ્થો સીઝ કર્યો છે. તેમજ ફૂડ વિભાગના અધિકારીઓએ શંકાસ્પદ ઘીના 8 નમૂના લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. નકલી ઘીમાં સુગંધ માટે એસેન્સ અને મોટી માત્રામાં કલરનો ઉપયોગ કરાતો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

ફુડ વિભાગના અધિકારીઓએ બનાસકાંઠાના વડગામના માહીમાં કથિકરીતે નકલી ઘી બનાવતી ફેકટરી પર દરોડો પાડ્યો હતો. અને ભેળસેળવાળુ ગણાતું 1513 કિલો ઘીને જથ્થો જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગુડલક એસ્ટેટના પ્લોટ પર આ એલીખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીનો સંચાલક અલમદારઅલી અબ્બાસઅલી સુણસરા કોઈપણ પ્રકારના લાયસન્સ વગર અત્યંત હલકી કક્ષાના શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હતા.તપાસમાં એ પણ બહાર આવ્યું કે ‘જૈનમ’ બ્રાન્ડ નામ રાખી તૈયાર કરાતું ઘી મુંબઈના જૈન વસવાટ કરતા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું.

ફુડ વિભાગના સૂત્રો જણાવ્યું હતું કે, ગઈ તા. ” 09/02/2025ના રોજ ફૂડ સેફ્ટી ઓફિસર ઈ.એસ. પટેલ સહિત ટીમ માહીમાં આવેલી ગુડલક એસ્ટેટ પહોંચી ત્યારે ત્યાં 22 વર્ષનો અલમદારઅલી અબ્બાસ અલી સુણસરા નામનો યુવક ફેક્ટરી ચલાવતો હતો જેની પાસે ફુડ અંગેનું લાઇસન્સ કે રજીસ્ટ્રેશન સુધ્ધાં નહોતું. પેઢી સંચાલક ”જૈનમ” બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને વેચાણ કરતા હતા. આ કાર્યવાહી અંતર્ગત શંકાસ્પદ ઘી અને એડલટ્રન્ટના 8 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને ચકાસણી અર્થે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે મોકલવામા આવ્યા છે. વિભાગ દ્વારા આશરે 3,67,986ની કિંમતનો 1513 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, સ્થળ પરથી 15 કિલોના પેકિંગ ટીન, ખાલી ડબા, લેબલ સ્ટીકર અને પેકિંગ માટેની અન્ય સામગ્રી પણ મળી આવી હતી.

તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ સસ્તા ખાદ્ય તેલોનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે ઘી તૈયાર કરવામાં આવતું હતું. મુખ્યત્વે રિફાઇન્ડ સોયાબીન ઓઇલ, પામોલીન ઓઇલ અને વનસ્પતિ (વેજીટેબલ ફેટ)ને નિશ્ચિત પ્રમાણમાં મિક્સ કરવામાં આવતું. તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ (બટર એસેન્સ) ઉમેરાતું અને ઘીનો પીળો રંગ દેખાય તે માટે કેરોટીન કલર મિશ્રિત કરવામાં આવતો. આ મિશ્રણને ગરમ કરી એકસાર બનાવ્યા બાદ તેને ટીન અથવા 1 લિટરના પેકમાં ભરી ‘શુદ્ધ ગાયનું ઘી’ તરીકે પેકિંગ કરાતું. આમ દૂધનો કે તેની બનાવટનો ઉપયોગ કર્યા વિના ઘી બનાવવા તેલ-વનસ્પતિ, કલર અને એસેન્સના મિશ્રણથી ઘી જેવા દેખાતું અને સુગંધિત પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code