મુંબઈઃ દેશના અગ્રણી પરમાણુ સંશોધન કેન્દ્ર ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)ના વૈજ્ઞાનિક તરીકે ઓળખ આપી લોકોને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિને મુંબઈ પોલીસે ઝડપ્યો છે. પોલીસે આરોપીની પાસેથી પરમાણુ સંબંધિત ડેટા અને 14 નકશા જપ્ત કર્યા છે. હાલમાં આ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે કે તેમાં કોઈ ગોપનીય અથવા સંવેદનશીલ માહિતી તો નથી ને.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીનું નામ અખ્તર કુતુબુદ્દીન હુસૈની હોવાનું જાણવા મળ્યું છે. તેને મુંબઈના વર્સોવા વિસ્તારથી ધરપકડ કરવામાં આવી હતી. અખ્તર પોતાને વૈજ્ઞાનિક તરીકે રજૂ કરતો હતો અને અનેક જુદા જુદા નામોથી ઓળખ આપતો હતો. તેની પાસેમાંથી નકલી પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને BARCના ફર્જી આઈડેન્ટિટી કાર્ડ મળ્યા છે. એક કાર્ડ પર તેનું નામ અલી રઝા હુસૈન, તો બીજામાં અલેક્ઝાન્ડર પામર લખેલું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક મહિનામાં તેણે અનેક અંતરરાષ્ટ્રીય ફોન કૉલ્સ કર્યા છે. તપાસ એ દિશામાં ચાલી રહી છે કે તે કોઈ વિદેશી નેટવર્ક સાથે સંપર્કમાં હતો કે નહીં, અને શું આ સંપર્કોનો સંબંધ પરમાણુ ડેટા લીક સાથે છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે અખ્તર હુસૈનીનો ઓળખ બદલીને અને ભેષ બદલીને જીવવાનો લાંબો ઈતિહાસ છે. વર્ષ 2004માં તેનો દુબઈમાંથી દેશનિકાલ કરાયો હતો, કારણ કે તે પોતાને ગુપ્ત દસ્તાવેજ ધરાવતા વૈજ્ઞાનિક તરીકે રજૂ કરતો હતો. તે પછી પણ તે નકલી પાસપોર્ટ દ્વારા દુબઈ, તેહરાન અને અન્ય દેશોમાં મુસાફરી કરતો રહ્યો હતો.
તપાસમાં ખુલ્યું છે કે, ઝારખંડના રહેવાસી મુંઝઝિલ ખાને હુસૈનીના ભાઈ માટે બે નકલી પાસપોર્ટ તૈયાર કરાવ્યા હતા. આ પાસપોર્ટોમાં જમશેદપુરનું જૂનું સરનામું દર્શાવાયું હતું, જે ઘર અખ્તરના પિતાના અવસાન બાદ લગભગ 30 વર્ષ પહેલાં વેચાઈ ગયું હતું. આ પાસપોર્ટ હુસૈની મોહમ્મદ આદિલ અને નસીમુદ્દીન સૈયદ આદિલ હુસૈનીના નામે બનાવવામાં આવ્યા હતા.
પોલીસને શંકા છે કે, અખ્તર અને તેનો ભાઈ આદિલ વિદેશ પ્રવાસ માટે નકલી ઓળખવાળા દસ્તાવેજોનો ઉપયોગ કરતા હતા. પૂછપરછ દરમિયાન અખ્તરે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે દાવો કર્યો હતો કે તેના ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે મુંઝઝિલ ખાનનો ભાઈ ઇલિયાસ ખાન પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે.
હવે પોલીસે ઇલિયાસ ખાનને વૉન્ટેડ જાહેર કર્યો છે. તેના પર અખ્તર હુસૈનીને ફર્જી શૈક્ષણિક પ્રમાણપત્ર પૂરા પાડવાનો આરોપ છે. આ સમગ્ર મામલાએ પરમાણુ સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે. પોલીસે હવે કેન્દ્રિય તપાસ એજન્સીઓની મદદથી આંતરરાષ્ટ્રીય કડીની પણ તપાસ શરૂ કરાઈ છે.


