અમરેલી, 7 એપ્રિલ 2026: Purchase of gram at support price begins રાજ્યમાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. જે ખેડૂતોએ ચણા વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. તેવા ખેડૂતો ટેકાના ભાવે ચણા વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા નાફેડના માધ્યમથી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવતી આ ખરીદીથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.
અમરેલી જિલ્લામાં અમરેલી ઉપરાંત સાવરકુંડલા, બગસરા, ધારી અને ખાંભા જેવા મુખ્ય સેન્ટરોના એપીએમસી (APMC) ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં શ્રીફળ ફોડીને ચણાની ખરીદીનો પ્રારંભ કરાતા જ ચણાના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા. ગુજકોમાસોલના પ્રતિનિધિ હેનીસ રામાણીએ જણાવ્યું હતું કે, સરકાર બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદી કરી રહી છે. ટેકાનો ભાવ પ્રતિ મણ 1175 રૂપિયાની ખરીદી કરવામાં આવી રહી છે. જ્યારે ખુલ્લા બજારનો ભાવ પ્રતિ મણ 850થી 1020 રૂપિયા છે. આમ, ખુલ્લા બજાર કરતા ટેકાના ભાવમાં ખેડૂતોને પ્રતિ મણે 150થી 300 રૂપિયા જેટલો વધુ ભાવ મળી રહ્યો છે. મોંઘા ખાતર, બિયારણ અને મજૂરીના ખર્ચ સામે આ ભાવ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે.
જિલ્લાભરમાં ટેકાના ભાવે ચણા વેચવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ છે. આંકડાકીય માહિતી મુજબ, એકલા સાવરકુંડલા તાલુકામાં જ 6200 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખેડૂતોએ સરકારના આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, જો સરકાર ખરીદીની મર્યાદા હજુ વધારે તો કમોસમી વરસાદની માર ઝીલી રહેલા ખેડૂતોને મોટી આર્થિક મદદ મળી રહેશે. હાલમાં યાર્ડમાં માલની આવક વધતા તંત્ર દ્વારા વ્યવસ્થિત રીતે તોલ-માપની કામગીરી ચાલી રહી છે, જેથી ખેડૂતોને લાંબો સમય પ્રતીક્ષા ન કરવી પડે.


