
- રાજુલા અને જાફરાબાદને પીવાનું પાણી આપવા પાઈપલાઈન નાંખવામાં આવશે,
- ખેડુતો કહે છે, પીવા માટે પાણી અપાશે તો સિંચાઈ માટેનું પાણી નહીં મળે
- ડેમ વિસ્તારના 13 ગામોના લોકોએ કર્યો ઉગ્ર વિરોધ
અમરેલીઃ રાજુલા તાલુકાના ધાતરવડી-1 ડેમમાથી રાજુલા અને જાફરાબાદ શહેરને પાણી આપવા માટે પાઇપ લાઇનના કામને મંજુરી આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પાઈપલાઈન નાંખવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે પાઈપલાઈનની કામગીરી સામે 13 ગામોને લોકોએ ભારે વિરોધ કર્યો છે. ખેડુતોમાં એવી દહેશત છે, કે જો ધાતરવાડી ડેમમાંથી રાજુલા અને જાફરાબાદને પાણી આપવામાં આવશે તો સિંચાઈ માટે ખેડુતોને પુરતુ પાણી મળી શકશે નહીં, આ પાણી માત્ર સિંચાઇ માટે રાખવામા આવે તેવી માંગ સાથે ખેડૂતોએ લડતના મંડાણ કર્યા છે. અને તંત્ર દ્વારા ખેડૂતોને દબાવવાના પ્રયાસનો ઉગ્ર વિરોધ કરાયો હતો.
ખેડુતોના કહેવા મુજબ રાજુલાના ધારેશ્વર નજીક બનેલા ધાતરવડી-1 ડેમ આમ તો ખરેખર સિંચાઇ માટે જ બનેલો હતો. પરંતુ ડેમમાંથી રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાને પણ પાણી આપવામાં આવે છે. જુની પાઇપ લાઇન જર્જરિત થઇ ગઇ હોય હવે આ બંને નગરપાલિકાને પાણી આપવા માટે નવી પાઇપ લાઇનનુ કામ શરૂ કરવામાં આવશે. ત્યારે આ ડેમના હેઠવાસમાં આવતા 13 ગામના ખેડૂતોએ આ નવી પાઇપ લાઇન નાખવા સામે વિરોધ કર્યો છે.
તાજેતરમાં ધારેશ્વર નજીક ધારનાથ મહાદેવ મંદિર ખાતે 13 ગામના ખેડૂતોની સભા બોલાવાઇ હતી. ખેડૂત આગેવાન રાજુ કરપડાની હાજરીમા મોટી સંખ્યામા લોકો એકઠા થયા હતા અને તંત્ર સામે રોષ વ્યકત કરાયો હતો. તંત્રએ જાહેરનામુ હોવા અંગે માઇક ફેરવી ખેડૂતોને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જયારે ચીફ ઓફિસરે આંદોલન કરનારાઓને અસામાજીક તત્વો કહેતા તે અંગે પણ ભારે વિરોધ ઉઠયો હતો. સભા અને રેલી બાદ પ્રાંત અધિકારીને આવેદન આપવામા આવ્યુ હતુ. ખેડુતોએ તંત્રને ખુલ્લો પડકાર ફેંકયો હતો કે અમે જાહેરનામાનો ભંગ કર્યો છે ગુનો નોંધવા હોય તો નોંધી લેજો, અમે પાણીની લાઇન નાખવા નહી દઇએ, જરૂર પડયે ડેમમા પણ ડૂબકી લગાવીશું. ખેડૂત અગ્રણી દિલીપભાઇ સોજીત્રાએ પણ તંત્રએ રાત્રે માઇક ફેરવી ખેડૂતોને ભેગા નહી થવા દબાણ કર્યાનો આક્ષેપ કર્યો હતો.
આ અંગે રાજુલા પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીએ પાલિકાની પાઇપ લાઇન નાખવાના કારણે ખેડૂતોના હક્કનુ પાણી છીનવાશે નહી અને બંને પાલિકા તંત્રની મંજુરી બાદ લાઇન નાખી રહી હોવાનુ જણાવ્યું હતુ