1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 13 ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ રેડિયો ડે, ’સ્ક્રીન વગરનો સંવાદ એટલે ‘રેડિયો’
13 ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ રેડિયો ડે, ’સ્ક્રીન વગરનો સંવાદ એટલે  ‘રેડિયો’

13 ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ રેડિયો ડે, ’સ્ક્રીન વગરનો સંવાદ એટલે ‘રેડિયો’

0
Social Share

અમદાવાદ,12 ફેબ્રુઆરી 2026:   વિચારોને વાચા આપનાર રેડિયો માત્ર સંચારનું સાધન નહીં, પરંતુ વિશ્વાસ, જોડાણ અને પ્રેરણાનો અવાજ છે. દર વર્ષે તા.૧૩ ફેબ્રુઆરીના રોજ યુનેસ્કોના માધ્યમથી ‘વર્લ્ડ રેડિયો ડે’ની ભારત સહિત વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રેડિયો પ્રસારણકર્તાઓને સમર્પિત છે, જે સમાચારોનો પ્રસાર કરે છે, વિચારોને વાચા આપે છે અને રસપ્રદ કથાઓ પીરસે છે. ચાલુ વર્ષે ‘વર્લ્ડ રેડિયો ડે’ની ઉજવણી ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ પર કરવામાં આવશે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ પ્રથમવાર જન-જન સુધી સંવાદ સાધવા ઓક્ટૉબર, 2014થી  ‘મન કી બાત’ કાર્યક્રમ માટે રેડિયોનું માધ્યમ પસંદ કર્યુ હતું. જેથી ફરી એકવાર સાબિત થયું છે  કે,  રેડિયો દેશવાસીઓના દિલ સુધી પહોંચવાની અનોખી ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધીમાં ‘મન કી બાત’ના માધ્યમથી 130 એપિસોડ થકી સરકાર અને જનતા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થયો છે.  જેમાં સ્વછતા, આરોગ્ય, મહિલા સશક્તીકરણ, શિક્ષણ, રમત- ગમત જેવા સામાજિક મુદ્દાઓ, પ્રેરક પ્રસંગો અને રાષ્ટ્રીય ચેતનાને અવાજ મળ્યો છે.

ડિજિટલ યુગમાં અનેક આધુનિક માધ્યમો વચ્ચે પણ રેડિયોએ પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે. જ્યા સંચારના માધ્યમ ઉપલબ્ધ ન થઇ શકે ત્યાં રેડિયોએ મિત્રની ભૂમિકા ભજવી છે. સમાચાર હોય કે, રમતોની કોમેન્ટ્રી, ગીત હોય કે ભજન, આપત્તિનો સમય હોય કે ઉત્સવોનો ઉત્સાહ હોય, રેડિયો એ દેશ અને દુનિયાને જોડ્યા છે. કેટલીક અવિસ્મરણીય ક્ષણોનો રેડિયો સાક્ષી રહ્યો છે. જેમ કે ગણતંત્ર દિવસની પરેડ,  વિશ્વકપ જીતવાની ક્ષણ હોય કે યુદ્ધની પરિસ્થિતિ હોય, રેડિયો પર સંભળાતી કોમેન્ટરી કરોડો શ્રોતાઓ સમક્ષ આબેહૂબ વર્ણન થકી માહિતગાર કરે છે. ટીવી ન હોય ત્યારે પણ માત્ર અવાજ દ્વારા દ્રશ્ય આંખ સામે જીવંત કરવાની ક્ષમતા રેડિયોની વિશેષતા રહી છે. આજે પણ અનેક લોકોની મુસાફરીનો સાથી રેડિયો છે.

ઓલ ઇન્ડિયા રેડિયો દેશનું જાહેર સેવા પ્રસારક છે. જે તેના સૂત્ર ‘બહુજન હિતાય: બહુજન સુખાય’ને ચરિતાર્થ કરે છે. ભાષાઓની વૈવિધ્યતા અને સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતાના પરિપ્રેક્ષ્યથી ઓલ ઇન્ડિયા રેડિયો  વિશ્વની સૌથી મોટી પ્રસારણ સંસ્થાઓમાંની એક છે. AIRની હોમ સર્વિસ હેઠળ દેશભરમાં સ્થિત ૪૭૯ પ્રસારણ કેન્દ્રો કાર્યરત છે, જે દેશના લગભગ ૯૨ ટકા વિસ્તારમાં અને કુલ વસ્તીના ૯૯.૧૯ ટકા નાગરિકોને સ્પર્શે છે. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા રેડિયો વિવિધ ૨૩ ભાષાઓ અને ૧૭૯ લોકબોલીમાં કાર્યક્રમો પ્રસારિત કરે છે.

 દેશમાં શ્રોતાઓ સુધી લોકપ્રિય FM રેડિયો પહોંચાડવામાં પણ ઓલ ઇન્ડિયા રેડિયો અગ્રણી માધ્યમ રહ્યું છે. પ્રથમ એફએમ ચેનલ વર્ષ ૧૯૭૭માં ચેન્નાઈમાં પ્રયોગાત્મક ધોરણે શરૂ કરવામાં આવી હતી. ખાનગી પ્રસારકો માટે રેડિયો પ્રસારણ ખુલ્લું મુકાતા FM પ્રસારણને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું છે. શ્રોતાવર્ગની બદલાતી પસંદગીને અનુરૂપ પ્રસ્તુતિ શૈલી ઝડપી અને અનૌપચારિક બની છે. જીવંત કાર્યક્રમો અને સુસંગતતા એ યુવાનોની કલ્પનાને આકર્ષી અને તેમને  રેડિયો તરફ વધુ નજીક લાવ્યા છે. મોટા શહેરોમાં ટ્રાફિક સંબંધિત અપડેટ, આરોગ્યલક્ષી તેમજ સરકારી યોજનાઓની માહિતી જન- જન સુધી પહોંચાડે છે.

કમ્યુનિટી રેડિયો પ્રસારણનું એક મહત્વપૂર્ણ ત્રીજું સ્તર છે, જે જાહેર સેવા રેડિયો પ્રસારણ અને વ્યાવસાયિક રેડિયોથી અલગ છે. કમ્યુનિટી રેડિયોનું માધ્યમ લોકશાહીની પરિભાષાથી ખૂબ નજીક છે. લોકોથી, લોકો દ્વારા અને લોકો સુધી કમ્યુનિટી રેડિયો સંચારનું અત્યંત પ્રભાવી માધ્યમ બન્યું છે. ભારત જેવા દેશમાં જ્યાં દરેક રાજ્યની પોતાની ભાષા અને વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખ છે, ત્યાં કમ્યુનિટી રેડિયો સ્થાનિક લોકસંગીત અને સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. આપદા સંકટમાં કમ્યુનિટી રેડિયો સૂચનાનું અગત્યનું માધ્યમ બને છે. આમ, વિવિધ માધ્યમથી થતું રેડિયો પ્રસારણ એક મહત્વના પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code