1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. થાનના મગફળીના ગોદામમાં લાગી વિકરાળ આગ, કરોડોનું નુકશાન
થાનના મગફળીના ગોદામમાં લાગી વિકરાળ આગ, કરોડોનું નુકશાન

થાનના મગફળીના ગોદામમાં લાગી વિકરાળ આગ, કરોડોનું નુકશાન

0
Social Share
  • આગમાં 50,000 કિલો મગફળીનો જથ્થો બળીને ખાક
  • ટેકાના ભાવે મગફળી ખરીદીને FCIના ગોદામમાં મુકવામાં આવી હતી
  • આગ પર કાબૂ મેળવવા જેસીબીથી દીવાલ તોડાઇ

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના થાનમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો FCIના ગોદામમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન મગફળી ભરેલા ગોદામમાં એકાએક આગ ફાટી નિકળતા અફડાતફડી મચી ગઈ હતી. આ આગની ગોઝારી ઘટનામાં 50000 કિલોથી પણ વધારે મગફળીનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. તેના લીધે સરકારને અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક મગફળી ભરેલા FCI ગોદામમાં આગ ફાટી નિકળી હતી. આજુબાજુના લોકોએ આગના ધૂમાડાને જોતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.દરમિયાન થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગોડાઉનની દીવાલ અને બે શટરો તોડી ભીષણ આગને બુઝાવવાની કાર્યવાહી યુદ્વના ધોરણે હાથ ધરવામાં આવી હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ આગની ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે દોડી આવ્યાં હતા. સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહી બનતા દુર્ઘટના ટળી છે. મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે થાનગઢ મામલતદાર એન.આર.પટેલે જણાવ્યુ હતું કે, આ સરકારી ગોડાઉનમાં ટેકાનાં ભાવે ખરીદી કરેલી મગફળીનો જથ્થો હતો. જેમાં આગ લાગતા ફાયર ફાઇટરો દ્વારા આગ બુઝવવાની કામગીરી યુદ્વના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ સરકારી ગોડાઉનમાં કુલ કેટલો જથ્થો હતો અને કેટલાનું નુકસાન છે, એ તો ગોડાઉન મેનેજર આવ્યા પછી જ ખબર પડશે.

મગફળીના જથ્થામાં લાગેલી વિકરાળ આગની ઘટના બાબતે તંત્ર પર આકરા ચાબખા મારતા સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના જિલ્લા સંયોજક રાજુ કરપાડાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ફરી એક વખત મગફળી કૌભાંડનું ભૂત ધુણ્યું છે, ત્યારે આ આગ લાગી કે લગાડવામાં આવી ?? એ યક્ષ પ્રશ્ન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code