
ભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક મોટો રેલ્વે અકસ્માત થયો. છત્તીસગઢના બિલાસપુર જતી ટ્રેનના બે કોચમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાની માહિતી મળતા જ રેલવે કર્મચારીઓ દ્વારા ફાયર બ્રિગેડના અનેક વાહનો બોલાવવામાં આવ્યા હતા. ઉજ્જૈનમાં જ્યાં આ અકસ્માત થયો ત્યાં અરાજકતાનો માહોલ હતો. અકસ્માત જોવા માટે સેંકડો લોકો રેલ્વે ટ્રેક પાસે એકઠા થયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાંથી બધા લોકોને દૂર કર્યા હતા. દૂર્ઘટના બાદ તરત જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભારતીય રેલ્વેના પીઆરઓ ખેમરાજ મીણાએ દૂર્ઘટના અંગે જણાવ્યું કે બિકાનેરથી બિલાસપુર જતી ટ્રેનનો અકસ્માત થયો. તેમણે કહ્યું કે ઉજ્જૈન નજીક ટ્રેનના પાવર કાર કેબિનમાં આગ લાગી હતી. રેલવે પીઆરઓએ જણાવ્યું હતું કે આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવવામાં આવી હતી અને થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. તેમણે જણાવ્યું કે અકસ્માત રવિવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ થયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનના ડબ્બામાં અચાનક વિસ્ફોટ થયો અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો, જેના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલી ટ્રેન બિલાસપુર-બિકાનેર એક્સપ્રેસ (૨૦૮૪૬) હતી. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જો આગ જોઈને કોઈ મુસાફર ટ્રેનમાંથી કૂદી પડ્યો હોત તો જાન અને માલનું જોખમ હોત, પરંતુ આવી કોઈ દુર્ઘટના બની નથી.