
નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને ISROના વડા વી. નારાયણે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરી હતા. આ દરમિયાન શુભાંશુ શુક્લાએ તેમની ઐતિહાસિક અવકાશ યાત્રાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે એક્સિઓમ મિશન હેઠળ તેઓ બે અઠવાડિયા સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માં રહ્યા. આ દરમિયાન તેઓ મિશન પાઇલટ અને કમાન્ડર તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. શુક્લાએ કહ્યું કે, હું તે બધા લોકોનો આભાર માનું છું જેમણે આ મિશનને શક્ય બનાવ્યું. તેમણે કહ્યું કે ISS પર રહીને ઘણા પ્રયોગો કરવામાં આવ્યા હતા અને પૃથ્વી તથા અવકાશને લગતા ચિત્રો પણ લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ માટે લાંબી તાલીમ લેવામાં આવી હતી અને આ અનુભવ તેમના જીવનનો સૌથી અલગ અને યાદગાર હતો.
શુભાંશુ શુક્લાએ ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન મિશન વિશે વધુ માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે આ ISROનું પહેલું માનવ અવકાશ મિશન છે, જેના હેઠળ ભારતીય વાયુસેનાના ત્રણ પાઇલટ્સને 2027 માં અવકાશમાં મોકલવામાં આવશે. આ પાઇલટ્સ ત્રણ દિવસ માટે પૃથ્વીની ભ્રમણકક્ષામાં 400 કિલોમીટરની ઊંચાઈએ રહેશે અને ત્યારબાદ હિંદ મહાસાગરમાં સુરક્ષિત ઉતરાણ કરવામાં આવશે. આ મિશનનો કુલ ખર્ચ આશરે 20,193 કરોડ રૂપિયા છે. શુક્લાએ જણાવ્યું હતું કે ગગનયાનની તૈયારી માટે પહેલા બે ખાલી પરીક્ષણ ફ્લાઇટ્સ મોકલવામાં આવશે, ત્યારબાદ એક ફ્લાઇટમાં રોબોટ મોકલવામાં આવશે. જ્યારે આ બધું સફળ થશે, ત્યારે માનવોને અવકાશમાં મોકલવામાં આવશે.
ISROના વડા વી. નારાયણન પણ આ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભારતની અવકાશ યાત્રાને નવી ગતિ મળી છે. તેમણે યાદ અપાવ્યું કે ભારતે દક્ષિણ એશિયાઈ ઉપગ્રહ બનાવ્યો અને તેને સભ્ય દેશોને સમર્પિત કર્યો. આ ઉપરાંત, ભારતે G20 દેશો માટે એક ઉપગ્રહ પણ તૈયાર કર્યો. નારાયણને કહ્યું કે 10 વર્ષ પહેલાં દેશમાં ફક્ત એક જ અવકાશ સ્ટાર્ટઅપ હતું, પરંતુ આજે 300 થી વધુ સ્ટાર્ટઅપ્સ અવકાશ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. ખાનગી કંપનીઓએ અત્યાર સુધીમાં બે સબ-ઓર્બિટલ મિશન પૂર્ણ કર્યા છે. આ દર્શાવે છે કે ભારતની અવકાશ અર્થવ્યવસ્થા સતત વધી રહી છે અને આગામી વર્ષોમાં તે વધુ વિસ્તરશે.
ઇસરો વડાએ જણાવ્યું હતું કે, 30 જુલાઈના રોજ, GSLV-F16 રોકેટે સફળતાપૂર્વક NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર (NISAR) ને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યું. આ ઉપગ્રહ સંપૂર્ણપણે યોગ્ય રીતે કામ કરી રહ્યો છે. નારાયણને કહ્યું કે આગામી બે થી ત્રણ મહિનામાં, ભારત પોતાના લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરીને 6,500 કિલોગ્રામ વજનનો અમેરિકન કોમ્યુનિકેશન સેટેલાઇટ પણ લોન્ચ કરશે. તેમણે કહ્યું કે આવો સહયોગ માત્ર ટેકનિકલ દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ISRO ની વધતી જતી શક્તિ અને ક્ષમતાને પણ પ્રતિબિંબિત કરે છે.