પટણાઃ પટણા જિલ્લાના દાનાપુર દિયારા વિસ્તારમાં આવેલા અકીલપુર પોલીસ સ્ટેશન હદના માનસ પંચાયતના માનસ નયા પાનાપુર ગામમાં મધરાત્રીના દુઃખદ ઘટના બની હતી. એક મકાનની છત અચાનક ધરાશાયી થતાં એક જ પરિવારના પાંચ સભ્યોનું મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર માનસ નયા પાનાપુર ગામમાં રહેતો બબલુ (ઉ.વ. 36), તેની પત્ની રોશન ખાતૂન (ઉ.વ 32), પુત્રી રુખસાર (ઉ.વ 12), પુત્ર ચાંદ (ઉ.વ 10) અને નાનકડી દીકરી ચાંદની (ઉ.વ 2) તે રાત્રે ઘરે સુઈ રહ્યા હતા. અચાનક જૂની છત ધરાશાયી થતાં સમગ્ર પરિવાર તેના નીચે દટાઈ ગયો હતો. છત ધરાશાયી થવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ કલાકો સુધીના પ્રયાસ બાદ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ દૂર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોના કરૂણ મોત થતા સમગ્ર ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે બબલુને આ મકાન કેટલાંક વર્ષો પહેલાં આવાસ યોજનાના અંતર્ગત મળ્યું હતું, પરંતુ આર્થિક તંગીના કારણે તે તેની યોગ્ય મરામત કરી શક્યો ન હતો. કોઈએ વિચાર્યું ન હતું કે આ મકાન એટલું નબળું હશે. ગામલોકો અને સગાસંબંધીઓએ પ્રશાસનને આ મામલાની ગંભીર તપાસ કરવા અને પીડિત પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી ચાલુ છે.


