
નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશમાં 81 અબજ ચાર કરોડ ડોલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં 71 અબજ 28 કરોડ ડોલર કરતાં 14 ટકા વધુ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે ૨૦૨૪-૨૫માં, કુલ રોકાણમાં સેવા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ ૧૯ ટકા હતો, જે કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેરમાં ૧૬ ટકા અને વેપારમાં ૮ ટકા હતો.સેવા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ પણ ગયા વર્ષે છ અબજ 64 ડોલરથી 40.77 ટકા વધીને નવ અબજ 35 ડોલર થયું છે. ઉત્પાદન ક્ષેત્રમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૮ ટકા વધીને 19 અબજ ચાર કરોડ ડોલર થયું છે જે ૨૦૨૩-૨૪માં 16 અબજ 12 કરોડ ડોલર હતું.
ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે શનિવારે આ માહિતી શેર કરી હતી. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠક બાદ તેમણે કહ્યું કે વૈશ્વિક અને આર્થિક વાતાવરણ ભારત માટે અનુકૂળ રહે છે અને જ્યારે હું આમ કહી રહ્યો છું ત્યારે આપણે દુનિયાની ચોથી સૌથી મોટી ઇકોનોમી છીએ. આજે આપણે 4 હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થા બની ચૂક્યા છીએ.
નીતિ આયોગની બેઠક બાદ સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના ડેટાને ટાંકીને કહ્યું હતું કે, હવે ભારતીય અર્થતંત્ર જાપાન કરતા પણ મોટું થઈ ગયું છે. ભારતે આ સીમાચિહ્ન હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે અને હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મનીની અર્થવ્યવસ્થાઓ ભારતથી આગળ છે. સુબ્રમણ્યમે વધુમાં કહ્યું કે જો આપણે આપણી યોજના પર અડગ રહીશું, તો આગામી અઢી થી ત્રણ વર્ષમાં આપણે જર્મનીને પાછળ છોડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું.
જ્યારે યુએસ ટેરિફને કારણે વિશ્વમાં ઉથલપાથલ ચાલી રહી છે ત્યારે ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પણ ભારતના વિકાસને રોકી શક્યા નહીં અને પાકિસ્તાન સાથેના તણાવની ભારતીય આર્થિક વિકાસ પર કોઈ અસર પડી નહીં. ભારત લાંબા સમયથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા રહી છે અને હવે તેણે જાપાનને પાછળ છોડી દીધું છે.