- પોરબંદરની ઈઝરાઈલ રહેતી મહિલાએ વિડિયો વાયરલ કર્યો હતો
 - રૂપિયાની લેતી-દેતીમાં અપહરણ કરાયાની ફરિયાદ
 - પોરબંદરના રાજકારણમાં આવ્યો ગરમાવો
 
પોરબંદરઃ પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની અને ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની અપહરણ અને પૈસાની લેતી-દેતીના મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુળ પોરબંદરની અને હાલ ઈઝરાયલ રહેતી મહિલાએ વિડિયો વાયરલ કરીને અપહરણના આરોપ લગાવ્યા બાદ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હીરલબાની ધરપકડ કરી હતી. પોરબંદર પંથકમાં સરમણ મુંજા પરિવારનું મોટુ નામ છે. આ પરિવાર રાજકીયરીતે પણ સંકળાયેલો છે.
આ બનાવની વિગતો એવી છે કે, મૂળ પોરબંદર અને હાલ ઈઝરાયલમાં રહેતી એક મહિલાનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં લીલુ ઉડેદરા નામની આ મહિલાએ હીરલબા પર પૈસાની ઉઘરાણીનો આરોપ લગાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ‘મારા ઘરના અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે. મારા ઘરના લોકોની 15-17 દિવસ પહેલાં રાત્રે બે વાગ્યે હીરલબાના માણસો પૈસાના વહીવટ બાબતે લઈ ગયા છે અને ત્યાં ગોંધી રાખ્યા છે. મારા પર એક કરોડ લીધાનો દાવો કરે છે. મેં તેની પાસેથી કોઈ એક કરોડ લીધા નથી. તે લોકો મારા ઘરનાને પણ નથી છોડતા. મને એવું કહે છે કે, પૈસાનો બંદોબસ્ત કર તો જ ઘરના બચી શકશે. મેં બધાયના હાથ-પગ જોડી લીધા છે. તેમ છતાં કોઈને છોડતા નથી. મારા ઘરનાને બચાવો, મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, આ હીરલબાએ મારા પતિ ભનાભાઈ ઓડેદરા, જમાઈ તેમજ દીકરા રણજીતનનું અપહરણ કરાવ્યું છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસે અપહરણ, જમીન-પ્લોટ, દાગીના આપી દેવા દબાણ, જાનથી મારી નાંખવાની ધમકી, પૈસા કઢાવવા માટે ગોંધી રાખવા મામલે ગુનો દાખલ કરી હીરલબા જાડેજાની ધરપકડ કરી છે.
નોંધનીય છે કે, આ પહેલાં હીરલબા અને લીલુબહેન નામની મહિલાનો ઓડિયો પણ વાઈરલ થયો હતો. જેમાં હીરલબા ઉઘરાણી કરતા સંભળાય છે. આ ઓડિયોમાં લીલુબહેનના સગીર પુત્ર અને પતિના અપહરણ અંગેની ઘટનાની પણ વાતચીત થતી હતી. જેમાં રૂપિયાની ચુકવણી અંગે ચર્ચા થઈ હતી.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

