
રાજસ્થાનના અજમેરમાં હોટલમાં આગ લાગવાથી ચાર લોકોના મોત
જયપુરઃ રાજસ્થાનના અજમેરના દિગ્ગી બજાર વિસ્તારમાં ગુરુવારે એક હોટલમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચ માળની હોટેલમાં કેટલાક મહેમાનોએ બારીઓમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. “આજે સવારે દિગ્ગી બજાર વિસ્તારમાં એક હોટલમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં બે પુરુષો, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોના ગૂંગળામણ અને બળી જવાથી મોત થયા છે,” જેએલએન મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલ સમરિયાએ જણાવ્યું હતું.
અધિક પોલીસ અધિક્ષક હિમાંશુ જાંગીડે જણાવ્યું હતું કે હોટલ તરફ જતો રસ્તો સાંકડો હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શરૂઆતમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. હોટેલમાં હાજર એક મહેમાનએ જણાવ્યું કે તેણે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો, ત્યારબાદ તે તેની પત્ની સાથે બહાર દોડી ગયો. દરમિયાન “એક મહિલાએ બારીમાંથી તેના બાળકને મારા ખોળામાં ફેંકી દીધું. તેણે બિલ્ડિંગ પરથી કૂદવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ અમે તેને રોકી હતી,” તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિએ બારીમાંથી કૂદકો માર્યો અને તેને માથામાં ઈજા થઈ છે.