અમદાવાદના અમરાઈવાડીમાં સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી, 40 લોકોનું રેસ્ક્યુ કરાયું
અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2026: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12ની ગેલેરી ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. અને આ બનાવની ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. આ બનાવમાં કાટમાળમાં દબાતા એક વૃદ્ધને ઈજા પહોંચી છે. આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરીને ફસાયેલા 40 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયુ હતું. ઉલ્લેખનીય છે કે, સુખરામનગરના આ 440 ફ્લેટના રીડેવલોપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે છેલ્લા બે મહિનામાં ગેલેરી પડવાનો આ બીજો બનાવ સામે આવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ બનાવની વિગત એવી હતી કે, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12ની ગેલેરી ધરાશાયી થઈ હતી. આ બનાવની ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘરમાં ફસાયેલા 20થી 25 વધુ લોકોને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી છે. આજુબાજુના મકાનોમાંથી પણ લોકોને રેસ્ક્યુ કરાયા હતા.
આ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે સવારે 8:15 વાગ્યે વિનોદભાઈ નામના વ્યક્તિએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી કે સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સની એક ગેલેરી પડી ગઈ છે અને ત્યાં માણસો ફસાયા છે. આ મેસેજ મળતા જ મણિનગરથી ઇમરજન્સી ટેન્ડર, ગોમતીપુરથી મિની ફાઇટર, એમ્બ્યુલન્સ અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચીને જોતા પરિસ્થિતિ એવી હતી કે કોઈ જગ્યાએથી ઉતરી શકાય તેમ નહોતું. આથી ફાયર વિભાગે આસપાસમાં બેથી ત્રણ જગ્યાએ સીડી લગાવીને લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ, ગેલેરીનો કાટમાળ પડવાને કારણે ત્યાં સૂતેલા એક 80 વર્ષના માજીને સામાન્ય ઇજાઓ થઈ હતી. સ્થાનિક રહીશોએ તેમને તાત્કાલિક રિક્ષામાં એલ.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.


