વડોદરા, 13 માર્ચ 2026: GPCB issues advisory after complaints of strong stench in Nandeshari શહેરના કેટલાક વિસ્તારમાં હવામાં પ્રદૂષણ વધતું જાય છે. ત્યારે શહેરના નંદેશરી વિસ્તારમાં સ્થાનિક રહિશોએ તીવ્ર દૂર્ગંધ આવતી હોવાની ફરિયાદો જીપીસીબીને કરી હતી. આ વિસ્તારમાં અનેક નાગરિકોએ આંખોમાં બળતરા થવી, શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની રજૂઆતો પણ કરી હતી. આથી જીપીસીબી દ્વારા ઉદ્યોગોને તાત્કાલિક અસરથી જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી. હાલ જીપીસીબી દ્વારા દિવસ-રાત પર્યાવરણ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. પ્રદૂષણના સંભવિત સ્ત્રોતો શોધવા માટે ખાસ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. સાથે જ પીસીસી એરિયા હેઠળ આવતી ઉદ્યોગ એકમોને એડવાઈઝરી જાહેર કરીને પ્રદૂષણ નિયંત્રણ માટે શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
વડોદરા શહેરના ઔદ્યોગિક વિસ્તાર એવા નંદેશરીમાં તીવ્ર દૂર્ગંધ તેમજ લોકોને આંખોમાં બળતરા થવી, શ્વાસ લેવામાં તકલીફ અંગેની ફરિયાદો ઊઠી હતી. આથી આ મુદ્દે જીપીસીબીની હેડ ઓફિસ ખાતે ચેરમેનની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીસીસી એરિયાની ઉદ્યોગ એકમોના અધિકારીઓ તેમજ Nandesari Industries Association ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ઉદ્યોગોને તાત્કાલિક અસરથી જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી.
જીપીસીબીના સૂત્રોના કહેવા મુજબ આ સમસ્યા કોઈ એક કંપનીના કારણે નહીં પરંતુ સમગ્ર ઉદ્યોગ વસાહતમાં થતી વિવિધ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને કેમિકલ પ્રક્રિયાઓના સંયુક્ત પ્રભાવને કારણે સર્જાતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેથી સમગ્ર વિસ્તારની ઉદ્યોગ એકમોને સાથે લઈને પ્રદૂષણ નિયંત્રણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને નંદેશરી વિસ્તારમાં બેચ ઓપરેશન ચલાવતી કેટલાક ઉદ્યોગ એકમોને બપોર પછી કામગીરી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આવા એકમોને સવારથી બપોર સુધી જ કામગીરી કરવાની રહેશે. અધિકારીઓના મતે બપોર પછી થતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે સાંજના સમયે કેમિકલ ગેસ અથવા દુર્ગંધવાળા તત્વો વાતાવરણમાં ફેલાઈને આસપાસના રહેણાંક વિસ્તારોમાં અસર પહોંચાડતા હોઈ શકે છે. તેથી આ પ્રકારની પ્રવૃત્તિઓ પર સમયબદ્ધ નિયંત્રણ લાદવામાં આવ્યું છે.
જીપીસીબીએ કુલ સાત ઉદ્યોગ એકમો અને નંદેશરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને સત્તાવાર એડવાઈઝરી જારી કરી છે. સાથે જ એસોસિએશન મારફતે નાની ઉદ્યોગ એકમોને પણ કેટલીક પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ રાખવા જણાવાયું છે. જો સૂચનાઓનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવાની અંતિમ ચેતવણી પણ આપવામાં આવી છે.


