
- સ્કૂલ અને કોલેજોએ પ્રવાસની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશને પણ કરવી પડશે,
- પ્રવાસ માટેના વાહનમાં ફાયર સેફટી, ફર્સ્ટએડ કીટ રાખવી પડશે,
- સૂર્યાસ્ત બાદ અર્થાત રાત્રે મુસાફરી ન કરવી પડે તે મુજબનું જ આયોજન કરવું પડશે
અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસની ગાઈડલાઈન જાહેર કરી છે. દિવાળીના વેકેશન કે રજાઓમાં કેટલીક સ્કૂલો- કોલેજો વિદ્યાર્થીઓ માટે પ્રવાસીનું આયોજન કરતી હાય છે. ત્યારે શિક્ષણ વિભાગે સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓને શૈક્ષણિક પ્રવાસના આયોજન માટેની સૂચના બહાર પાડી છે. જેમાં સ્કૂલ કે કોલેજ પ્રવાસ માટે ઉપયોગમાં લેવાનારા વાહનો જીપીએસ ટ્રેકિંગવાળા હોવા ફરજિયાત છે. પ્રવાસના આયોજન માટે સ્કૂલ કોલેજના પ્રિન્સીપાલની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવી તેમજ શક્ય હોય ત્યાં સુધી સૂર્યાસ્ત બાદ અર્થાત રાત્રી દરમિયાન પ્રવાસ ન કરવો તે મુજબનું જ આયોજન કરવાનું રહેશે.
રાજ્યના શિક્ષણ વિભાગ જારી કરેલી ગાઈડલાઈનમાં જણાવાયું છે કે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જતુ વાહન GPS ટ્રેકિંગ સીસ્ટમવાળું ફરજિયાત છે. પ્રવાસી બસમાં ફાયર સેફટી, ફર્સ્ટએડ કીટ હોવી જોઈએ. પ્રવાસ મરજિયાત હોવો જોઈએ અને વાલીની લેખિત સંમતિ લેવી ફરજિયાત છે. પ્રવાસના આયોજનની વિગતો સ્કૂલોએ જિલ્લા શિક્ષણાધિકારીને તેમજ કોલેજોએ યુનિવર્સિટીને જાણ કરવાની રહેશે. પ્રવાસના આયોજનની જાણ સ્થાનિક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તથા સ્થાનિક પોલીસ સ્ટેશને પણ કરવાની રહેશે. તેમજ પ્રવાસના આયોજન માટે સ્કૂલ કોલેજના પ્રિન્સિપાલની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવી પડશે. શક્ય હોય ત્યાં સુધી સૂર્યાસ્ત બાદ અર્થાત રાત્રી મુસાફરી ન કરવી અને તે મુજબનું જ આયોજન કરવાનું રહેશે.
આ ઉપરાંત પ્રવાસના રોકાણના સ્થળે મોડા પહોંચવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે: પ્રાથમિક સ્કૂલ માટે 19:00 કલાક, માધ્યમિક માટે 20:00 કલાક અને કોલેજના વિદ્યાર્થીઓ માટે 22:00 કલાક રહેશે. તેમજ પ્રવાસ માટે ઉપયોગમાં લેવાતા વાહનની આરસી બુક, લાયસન્સ, વીમોની નકલો પૂર્વેથી મેળવી સંપૂર્ણ ચકાસણી કરવાની રહેશે.