- રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા પીયુસી ફીમાં ₹10થી લઈને ₹50 સુધીનો વધારો
- પીયુસી કેન્દ્રોમાં નવ દરનો અમલ શરૂ કરી દેવાયો
- વાહનોની પીયુસી વખતે તમામ વિગતો ઓનલાઇન અપલોડ કરવી ફરજિયાત
ગાંધીનગરઃ ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ ખર્ચ સહન કરવો પડશે. રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા પીયુસી ફીમાં ₹10થી લઈને ₹50 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. લગભગ આઠ વર્ષ બાદ આ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં કાર્યરત આશરે 2000 પીયુસી સેન્ટરોમાં હવે નવા દરનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા પીયુસીના દરમાં વધારો કરવા અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવાયું છે. જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર તેમજ ડીઝલ અને હેવી મોટર વાહનો માટે પીયુસીના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે પીયુસી સેન્ટરના સંચાલકો નિયત ફી સિવાય એક પણ રૂપિયા વધારાના વસૂલ કરી શકશે નહીં. નિયમ ભંગ થવાના કેસમાં આરટીઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
સૂત્રોના કહેવા મુજબ નવા દર મુજબ ટુ-વ્હીલર માટે અગાઉ ₹30 વસૂલવામાં આવતા હતા, જેમાં ₹20નો વધારો કરીને હવે ₹50 લેવામાં આવશે. થ્રી-વ્હીલર માટે જૂનો દર ₹50 હતો, જે હવે ₹10 વધારીને ₹60 કરવામાં આવ્યો છે. કાર માટે અગાઉ ₹80 ફી હતી, જેમાં સીધો ₹50નો વધારો કરીને ₹130 કરવામાં આવ્યા છે. જ્યારે ડીઝલ અને હેવી મોટર વાહનો માટે અગાઉ ₹100 વસૂલવામાં આવતા હતા, તેમાં પણ ₹50નો વધારો કરીને હવે ₹150 ફી નક્કી કરવામાં આવી છે.
વાહનવ્યવહાર વિભાગના કહેવા મુજબ, પીયુસી સેન્ટરો દ્વારા વાહનનું સર્ટિફિકેટ ઇશ્યૂ કરતી વખતે તેની તમામ વિગતો ઓનલાઇન અપલોડ કરવી ફરજિયાત છે. જોકે, ઘણા પીયુસી સેન્ટરો દ્વારા આ નિયમનું યોગ્ય રીતે પાલન થતું ન હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું છે. કેટલાક સેન્ટરો માત્ર સમયમર્યાદા મુજબ બિનચકાસણી સાથે ઓનલાઇન સર્ટિફિકેટ ઇશ્યૂ કરી દેતા હોવાનું અગાઉ તપાસમાં બહાર આવ્યું હતું. આ બાબતને લઈ રાજ્યના વિવિધ આરટીઓ કચેરીઓ દ્વારા સમયાંતરે પીયુસી સેન્ટરો પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને નિયમ ભંગ થવાના કેસમાં દંડ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવે છે. તેમ છતાં, કેટલાક સેન્ટરો દ્વારા હજી પણ બોગસ પીયુસી સર્ટિફિકેટ ઇશ્યૂ કરાતાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
પીયુસી સેન્ટરોના સંચાલકો દ્વારા લાંબા સમયથી ભાવ વધારો કરવાની માગ કરવામાં આવી રહી હતી. મશીનોની જાળવણી, સોફ્ટવેર ખર્ચ અને કામગીરીના ખર્ચમાં વધારો થતો હોવાની રજૂઆત ઉચ્ચ સ્તરે કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ભાવ વધારો મંજૂર કર્યો છે


