અમદાવાદ, 28 ડિસેમ્બર 2025: Announcement of new organization of Gujarat Pradesh BJP ભાજપ હાઈકમાન્ડ મંજુરી મળ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનમાં કમુર્તામાં વિવિધ પદાધિકારીઓની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ પદે અનુભવી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે, મંત્રી તરીકે સંગઠનને મજબૂત બનાવવા માટે સંતુલિત અને પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ બનાવવામાં આવી છે. સાથે સાથે કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા શનિવારે રાત્રે સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. મહામંત્રી તરીકે કચ્છ જિલ્લાના અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર જિલ્લાના હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ જિલ્લાના ડો. પ્રશાંત કોરાટ અને ખેડા જિલ્લાના અજય ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે ડો. પરિન્દુ ભગતની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત ભાજપ સંગઠનની ટીમમાં ઉપપ્રમુખ તરીકે અમદાવાદના સિનિયર નેતા ભરત પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. કાર્યાલય મંત્રી તરીકે શ્રીનાથ શાહની નિમણૂંક કરાઈ છે. તેમજ મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલ અને મીડિયા ઇન્ચાર્જ તરીકે ડો. પ્રશાંત વાળાને મૂકવામાં આવ્યા છે.
ગુજરાત ભાજપે સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરીને જ્ઞાતિ સમીકરણને કેન્દ્રમાં રાખતી સ્પષ્ટ રણનીતિ અપનાવી છે. પ્રદેશ ઉપપ્રમુખપદે ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ, આદિવાસી તેમજ ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નિમણૂકોને 2026ની ચૂંટણી પૂર્વે તમામ સમાજોને સાથે લઈને ચાલવાની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. પાર્ટીની નવી ટીમમાં ઉપપ્રમુખ પદે વિવિધ સામાજિક વર્ગોનું સંતુલિત પ્રતિનિધિત્વ જોવા મળે છે, જેમાં પરંપરાગત વોટબેંક ધરાવતા પટેલ સમાજથી લઈને ઓબીસી, એસસી-એસટી વર્ગ સુધીના નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. સાથે જ ઠાકોર સમાજને પણ સ્થાન આપીને ઉત્તર ગુજરાત અને ગ્રામ્ય વિસ્તારોના સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
ભાજપના સંગઠનમાં મહામંત્રી પદે બ્રાહ્મણ, ક્ષત્રિય અને બ્રહ્મભટ્ટ સમાજના નેતાઓની પસંદગી કરવામાં આવી છે. સંગઠનના જાણકારો મુજબ મહામંત્રીપદે અનુભવ અને સંકલન ક્ષમતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેથી સંગઠન અને સરકાર વચ્ચે વધુ મજબૂત સંવાદ સ્થાપી શકાય.
રાજકીય વિશ્લેષકોના મતે ભાજપની આ સંગઠન રચના માત્ર આંતરિક ગોઠવણી નહીં પરંતુ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી છે. જ્ઞાતિ, પ્રદેશ અને અનુભવના સંતુલન સાથે રચાયેલી નવી ટીમ દ્વારા ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી ચૂંટણીમાં કોઈપણ સમાજ અવગણાયો નથી અને સૌને સાથે લઈને આગળ વધવાની રણનીતિ અપનાવવામાં આવી છે.


