- રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપશે,
- અગાઉ ઋષિકેશ પટેલ જવાબદારી સંભાળતા હતા,
- હવે બન્ને મંત્રીઓ મીડિયાને બ્રિફિંગ કરશે
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી મંડળમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવીને ગૃહ વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે સંઘવીને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકેની પણ વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ સિવાય કૃષિમંત્રી જીતુ વાઘાણીને પણ રાજ્ય સરકારના પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે.
અગાઉની સરકારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા. નવા મંત્રીમંડળમાં ફેરફાર અને જવાબદારીની પુનઃવહેંચણીના ભાગરૂપે આ બંને મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના કેબિનેટ નિર્ણયો, જાહેર નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરશે.


