
કોલકાતામાં રાતભરના ભારે વરસાદથી જનજીવન ઠપ : 7ના મોત, રેલ-મેટ્રો-હવાઈ સેવાઓ ખોરવાઈ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રાતભર પડેલા મૂશળધાર વરસાદે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અને વીજ કરંટ લાગવાને કારણે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થયા છે. 6 કલાકમાં 250 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે.
રાતભરના વરસાદના પ્રભાવથી રેલ, મેટ્રો અને હવાઈ સેવાઓ પર ભારે અસર થઈ છે. સિયાલદહ સ્ટેશન નજીક રેલવે લાઇન પર પાણી ભરાઈ જતાં સવારથી જ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. ચક્રરેલની અપ અને ડાઉન લાઇન સેવાઓ બંધ કરવી પડી છે, જ્યારે સિયાલદહની દક્ષિણ શાખાની ટ્રેન સેવા પણ ઠપ થઈ ગઈ છે. હાવડા ડિવિઝનના મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, દક્ષિણ અને પૂર્વ કોલકાતામાં વરસાદની તીવ્રતા સૌથી વધુ રહી. ગરિયા વિસ્તારમાં 332 મિલીમીટર, જોધપુર પાર્કમાં 285 મિલીમીટર, કાલીઘાટમાં 280 મિલીમીટર અને તોપસિયામાં 275 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વ ભાગમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે, જે ઉત્તર-પશ્ચિમ તરફ ખસવાની શક્યતા છે. જેના કારણે દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, ઝારગ્રામ અને બાંકુરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુમાં, 25 સપ્ટેમ્બરની આસપાસ પૂર્વ-મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીમાં એક નવું ઓછું દબાણનું ક્ષેત્ર સર્જાવાની શક્યતા છે, જે વરસાદની પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.