નવી દિલ્હી : દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ઘટનાના બીજા જ દિવસે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જે આશરે ડેઢ કલાક સુધી બંધ બારણે યોજાઈ હતી. દરમિયાન CRPFના IG રાજેશ અગ્રવાલે લાલ કિલ્લા વિસ્ફોટ સ્થળે પહોંચ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં કેન્દ્રિય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ડિરેક્ટર તપન ડેકા, દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચા, તેમજ NIAના ડીજી સદાનંદ વસંત હાજર રહ્યા હતા. ઉપરાંત જમ્મુ-કાશ્મીરના DGP નલિન પ્રભાત પણ વર્ચ્યુઅલી જોડાયા હતા. બેઠક દરમિયાન અધિકારીઓએ દિલ્હી વિસ્ફોટ બાદની પરિસ્થિતિ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
વિસ્ફોટ બાદ માત્ર દિલ્હી જ નહીં, પરંતુ દેશના અન્ય મોટા શહેરોમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તમામ રાજ્યોને સુરક્ષા વ્યવસ્થા કડક કરવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન CRPFના IG રાજેશ અગ્રવાલ લાલ કિલ્લા વિસ્ફોટ સ્થળે પહોંચ્યા હતા, તેમજ બ્લાસ્ટ અંગે માહિતી મેળવી હતી. દરમિયાન તેમણે જણાવ્યું કે, “દિલ્હી પોલીસ સત્તાવાર માહિતી આપશે. CRPF તરફથી દરેક જરૂરી સહાય આપવામાં આવશે અને અમે તેમની સાથે સતત સંપર્કમાં છીએ.”
દિલ્હી પોલીસ, NIA, IB અને CRPF હાલમાં વિસ્ફોટની તપાસ અને સુરક્ષા સમીક્ષા પર સંયુક્ત રીતે કાર્યરત છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની અધ્યક્ષતામાં એક વધુ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી શકે છે.


