હોમિયોપેથી ડોકટરે આર્થિક ભીંસને લીધે કારમાં દારૂની ખેપ મારી, પોલીસના ડરથી કર્યો અકસ્માત
રાજકોટ, 8 એપ્રિલ 2026: Homeopathy doctor smuggled liquor in car due to financial hardship જસદણ તાલુકાના કોઠી ગામનો હોમિયોપથીની BHMSની ડિગ્રી ધરાવતો ડોકટર યુવાન વિપુલ હાંડા આર્થિક ભીંસને લીધે દારૂની ખેપ મારવાના રવાડે ચડ્યો હતો. દરમિયાન રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લીધે પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી ત્યારે પૂર ઝડપે આવેલી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ કાર પૂરફટ ઝડપે નાશી જતા પોલીસે કારનો પીછો કર્યો હતો. પોલીસ પીછો કર્યાની જાણ છતાં જ ડો. વિપુલ હાંડાએ 100થી વધુ ઝડપે કાર દોડાવી હતી. અને બાઈકને અડફેટે લેતા બાઈકચાલક દિનેશ સોલંકી નામના ખેડૂતનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા કારચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. કારની તપાસ કરવામાં આવતા તેમાંથી રૂપિયા 20,00 ની કિંમતનો 100 લીટર જેટલો દેશી દારૂ પણ મળી આવ્યો હતો. કારચાલક ડોકટર પણ નશો કરેલી હાલતમાં હતો. આ અંગે આજીડેમ પોલીસે જસદણ તાલુકાના કોઠી ગામના ડો. વિપુલ હાંડા વિરુદ્ધ BNSની કલમ 105, 281 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત અને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૃષ્ણવીરસિંહ ગોહિલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ ભાવનગર હાઇવે ઉપર સરધાર પાસે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં બેરીકેડ લગાવીને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન સવારે 11.30 વાગ્યા આસપાસ ત્યાંથી પસાર થતી કારને ઉભી રાખવાનું કહેતા પોલીસ પકડથી બચવા માટે કારને પૂરપાટ ઝડપે ચલાવી ત્યાંથી નાસી ગયો હતો. જેથી તેને પકડવા માટે પોલીસ દ્વારા સરકારી કારની મદદથી તેનો પીછો કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કારચાલક 100થી વધુ સ્પીડે કાર હંકારી સરધાર ગામથી લોધીડા ગામ તરફ સિંગલ પટ્ટી રસ્તે કાર ચલાવી રહ્યો હતો. દરમિયાન સામેથી આવતા વાહન ચાલકને અડફેટે લેતા વાહન ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી.ત્યારબાદ પોલીસ દ્વારા કારચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો જેથી ઈજાગ્રસ્ત વાહન ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ પછી કાર ચાલકને મેડિકલ તપાસ સાથે હોસ્પિટલ લઈ જતા તેણે નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું અને કારની તપાસ કરવામાં આવતા તેમાંથી રૂપિયા 20,00 ની કિંમતનો 100 લીટર જેટલો દેશી દારૂ પણ મળી આવ્યો હતો.
કાર ચાલક ડો.વિપુલ હાંડાની પ્રાથમિક પૂછપરછમાં તેની કારમાં રહેલો દેશી દારૂ તે ભાડલા ખાતે રહેતા વનરાજ રામકુભાઇ ગીડા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. આરોપીએ વર્ષ 2013-14માં રાજકોટની ખાનગી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ BHMSની ડિગ્રી મેળવી હતી. શરૂઆતમાં પોતે નાનું ક્લિનિક ચલાવતો હતો પરંતુ બાદમાં પોતે લાખો રૂપિયાનું રોકાણ કરીને બોટાદના ગઢડામાં હોસ્પિટલ શરૂ કરી હતી. જેમાં એમડી ડોક્ટર સહિતનાઓને તેણે રાખ્યા હતા. પરંતુ હોસ્પિટલના વ્યવસાયમાં ખોટ જતા તેની ઉપર દેણું થઈ ગયું હતું. જેના કારણે તે છેલ્લા બે ત્રણ વર્ષથી આર્થિક સંકડામણનો સામનો પણ કરી રહ્યો હતો.


