
ગાંધીનગરઃ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે એવોર્ડ માટે શહેરો વચ્ચે હરીફાઈ થાય તો જ શહેરોનો વધુ સારો વિકાસ થઈ શકે. તેમણે ઉમેર્યુ કે,આત્મનિર્ભર અને સ્વદેશી અભિયાનને સફળ બનાવવા રોજીંદી વપરાશની ચીજ વસ્તુઓ સ્વદેશી હોય તે જરૂરી છે.મુખ્યમંત્રીના હસ્તે રાજ્યની આઠ મહાનગરપાલિકા તેમજ 16 નગરપાલિકાને “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિતની મહાનગર પાલિકાને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયાં હતાં.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહ તેમજ સ્વચ્છ ભારત મિશનની ચિંતન શિબિર યોજાઈ હતી.મુખ્યમંત્રીએ સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અને કુલ રૂપિયા 18.5 કરોડની પ્રોત્સાહક રકમ એનાયત કરી હતી. આ ઉપરાંત “મારુ શહેર, મારું ગૌરવ અભિયાન”ના લોગોનું અનાવરણ પણ તેમણે કર્યુ હતું.