તમારા નામ પર લેવાયેલા સિમથી થશે ફ્રોડ તો તમે પણ જવાબદાર! ટેલિકોમ વિભાગની ચેતવણી
ભારતમાં વધી રહેલા સાઇબર ફ્રોડને ધ્યાનમાં રાખીને દૂરસંચાર વિભાગ (DoT) એ ચેતવણી જાહેર કરી છે. હવે જો તમારા નામ પર લેવાયેલી સિમ કાર્ડનો ઉપયોગ કોઈ સાઇબર ક્રાઇમ અથવા ગેરકાયદે પ્રવૃત્તિમાં થાય છે, તો માત્ર ગુનેગાર જ નહીં, પણ મૂળ સિમ યુઝરને પણ જવાબદાર ગણાવી કાર્યવાહી થઈ શકે છે.
DoTએ જણાવ્યું છે કે, IMEIથી છેડછાડ કરેલા ફોન, ડિવાઇસ, મોડેમ, મોડ્યુલ અથવા સિમ બોક્સનો ઉપયોગ ન કરો. IMEI બદલવાની ક્ષમતા ધરાવતા ઉપકરણ ખરીદવા અથવા તેનો ઉપયોગ કરવાથી કાનૂની મુશ્કેલી ઊભી થઈ શકે છે. નકલી ઓળખપત્ર, અન્ય કોઈની ઓળખનો ઉપયોગ કરીને સિમ મેળવી અથવા પોતાનું સિમ કોઈ બીજા વ્યક્તિને આપી દેવુ આ ત્રણેય કાર્ય જોખમ ઉભા કરે છે. જો આ સિમ કોઈ ફ્રોડમાં વપરાય, તો મૂળ માલિકને પણ અપરાધમાં ભાગીદાર માનવામાં આવશે.
- શું છે સજા?
ટેલિકમ્યુનિકેશન્સ એક્ટ, 2023 મુજબ IMEIથી છેડછાડ મુદ્દે 3 વર્ષ સુધીની જેલ, રૂ. 50 લાખ સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.
- આવું ક્યારેય ન કરો
એવા એપ્લિકેશન અથવા વેબસાઇટનો ઉપયોગ ન કરો જે CLI (Calling Line Identity) બદલી આપે. આવા એપ્સ ગેરકાયદે છે અને તેનો ઉપયોગ તમને કાયદાની મુશ્કેલીમાં મૂકી શકે છે.
- કેવી રીતે તપાસશો સુરક્ષા?
DoTએ નાગરિકોને સલાહ આપી છે કે તેઓ ‘સંચાર સાથી’ પોર્ટલ અથવા મોબાઇલ એપ દ્વારા પોતાના ફોનનું IMEI વેરિફાય કરે.આ ચેકિંગથી ડિવાઇસનો બ્રાન્ડ, મોડેલ અને મેન્યુફેક્ચરરની માહિતી મળી જાય છે. સરકારનું કહેવું છે કે આ પગલાંથી મોબાઇલ નેટવર્ક અને લોકોના કનેક્શન વધુ સુરક્ષિત રહેશે અને ટેલિકોમ ફ્રોડમાં ઘટાડો થશે.


