1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખનીજચોરી કરતા વાહનો પકડાશે તો 30 દિવસ નહીં છૂટે, ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરાશે
ખનીજચોરી કરતા વાહનો પકડાશે તો 30 દિવસ નહીં છૂટે, ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરાશે

ખનીજચોરી કરતા વાહનો પકડાશે તો 30 દિવસ નહીં છૂટે, ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરાશે

0
Social Share

અમદાવાદ,13 જાન્યુઆરી 2026: ગુજરાતમાં તંત્રની કાર્યવાહી છતાંયે ખનીજચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખનિજનું ગેરકાયદે અથવા ઓવરલોડ વહન કરતા વાહનો એક વખત ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે. ગેરકાયદે ખનીજ વહન કરતા કે ઓવરલોડ વાહન પકડાશે તો કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.

રાજ્યના ખનિજ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી એમ હતું કે કોઈ ડમ્પર, ટ્રક અથવા ટ્રેક્ટર સહિતના વાહનો જો ગેરકાયદે ખનિજ વહન કે ઓવરલોડ માટે ઝડપાય તો તે વાહનો સરકારે નક્કી કરેલો દંડ ભરપાઈ કરીને છોડી મૂકાતા હતાં અને ફરીથી તે જ વાહનો ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિમાં સક્રિય થઇ જતા હતાં. હવે આ સિસ્ટમ બંધ કરી દેવા નિર્ણય લેવાયો છે.

 સૂત્રોના કહેવા મુજબ  જો કોઈ વાહન ગંભીર ગેરરીતિમાં ઝડપાશે તો તે વાહન ઓછામાં ઓછા 30 દિવસ સુધી જપ્ત રહેશે. એક મહિના સુધી કોઈ સમાધાન થશે નહીં. નવા નિયમો મુજબ વાહન જપ્ત થયાના 10 દિવસ સુધી કોઈ અરજી સ્વીકારવામાં પણ નહીં આવે. 30 દિવસ સુધી વાહનની માલિકી, ઓળખ અને તેના ઈતિહાસની તપાસ થશે બાદમાં સમાધાન કરવું કે નહીં તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. ખનિજ વિભાગમાં ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આ વાહનો માટે બીજો પણ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વાહન વારંવાર આવી પ્રવૃત્તિ કરતા ઝડપાશે એટલે કે ત્રણ વખત પણ પકડાશે તો તે વાહન રાજ્યસાત (સરકાર હસ્તક) કરાશે.

આ નિર્ણયથી ખનિજ વિભાગની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. તેની સાથે કાયદેસર ખનનની પ્રવૃત્તિ સાથે જોડાયેલાઓમાં ખુશી પણ વ્યક્ત થઈ છે. મહત્ત્વની વાત એ છે કે આ નવા નિયમોથી ખાણ ખનિજનો સ્ટાફ હવે કોઈ વાહન સામે કાર્યવાહી કરતા ખચકાશે નહીં.

રાજ્ય સરકારના નવા પરિપત્રથી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને દરેક વાહનોમાં જીપીએસ લગાવવાના નવા નિયમથી વાહન ક્યા છે તેમજ ક્યાં રોકાયું છે તે જાણી શકાશે. માત્ર એટલું જ નહીં પરંતુ નંબર પ્લેટથી વાહનનો ગુનાઈત ઇતિહાસ પણ જાણી શકાશે. સૂત્રોએ કહ્યું હતું કે ઓવરલોડ વાહનો પર અંકુશ આવતા રસ્તાઓને થતું નુકસાન અટકશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code