સુરેન્દ્રનગર, 9 જાન્યુઆરી 2026: જિલ્લાના થાન તાલુકાના ખાખરાળી ગામ નજીક કોલસાના ગેરકાયદે ખનન સામે ચોટિલા પ્રાંત અધિકારી સહિત તેમની ટીમે દરોડો પાડતા કોલસા ખનન માટેના બે ચાલુ કૂવા મળી આવ્યા હતા. સ્થળ પરથી આશરે 70 ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ખનન માટે વપરાતો એક ચરખી સેટ પણ કબજે કરી તેને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, આજે વહેલી સવારે થાનગઢ તાલુકાના ખાખરાળી ગામે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે, પ્રાંત અધિકારી અને થાન મામલતદારની સંયુક્ત ટીમે ખાખરાળી ગામની સીમમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન તંત્રને ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. દરોડા દરમિયાન, કોલસા ખનન માટેના બે ચાલુ કૂવા મળી આવ્યા હતા. સ્થળ પરથી આશરે 70 ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ખનન માટે વપરાતો એક ચરખી સેટ પણ કબજે કરી તેને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.
થાનના ખાખરાળી ગામે ગેરકાયદે કોલસાના ખનન સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. કાલસાના ગેરકાયદેસર ખોદકામ પાછળ કોણ જવાબદાર છે અને કોના દ્વારા આ નેટવર્ક ચલાવવામાં આવતું હતું, તેની વિસ્તૃત તપાસ પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવી છે. જવાબદાર શખ્સો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખનન જેવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ આવી પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.


