પાલનપુર, 1 એપ્રિલ 2026: Water not available with sufficient pressure શહેરમાં વોર્ડ નં 2 અને 3ની દસ જેટલી સોસાયટીઓમાં ધરોઇના પાણીનું પૂરતું પ્રેશર આવતું ન હોવાથી સોસાયટીના રહીશો ભાડેથી ટેન્કર લાવવા મજબુર બન્યા છે. સ્થાનિક રહિશોએ અંગે નગરપાલિકામાં રજૂઆત કરતાં એકાદ બે દિવસમાં સમસ્યાનો ઉકેલ લવાશે તેવી હૈયાધારણા આપી હતી.
પાલનપુર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ધરોઇ જૂથ આધારિત પાણી પુરવઠો આપવામાં આવે છે. જ્યાં વોર્ડ નં 2 અને 3ની શિવનગર, ભાગ્યોદય, આસોપાલવ, શક્તિનગર સહિતની 10 જેટલી સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી પાણીની સમસ્યા ઉદ્દભવી છે. સ્થાનિક રહિશોને ખાનગી ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે. સ્થાનિક રહિશોના કહેવા મુજબ અમારા વિસ્તારમાં ધરોઇનું પાણી આવે છે. પરંતુ પૂરતું પ્રેશર આવતું નથી. જેથી નાછૂટકે ભાડેથી ટેન્કરો લાવવા પડી રહ્યા છે. આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરી હતી. જ્યાંથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્થાનિક બોરનું પાણી બંધ હોવાથી પ્રેશર મળતું નથી. જોકે, એકાદ બે દિવસમાં સમસ્યાનો ઉકેલ લવાશે તેવી ખાતરી આપી છે.
શહેરના માનસરોવર પુલ પછીના વિસ્તારમાં એકાંતરે પાણી પાલનપુરમાં માન સરોવર પુલ પછીના આરટીઓ સર્કલ વચ્ચેની સોસાયટીઓ અને રહેણાંક મકાનોમાં એકાંતરે પાણી અપાઈ રહ્યું છે. રહીશોએ કહ્યું કે, મોટા પીપડા, ટાંકીઓમાં પાણી સંગ્રહ કરી કરકસર યુકત પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ. નગરપાલિકા પાણીપુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, શહેરમાં પાણીનો જથ્થાનું વ્યવસ્થિત વિતરણ થાય તે માટે એકાંતરે પાણી અપાઈ રહ્યું છે.


