- બાથરૂમમાં કોઈ અવાજ ન આવતા પરિવારજનોએ દરવાજો ખટખટાવ્યો,
- બાથરૂમનું બારણું તોડીને કિશોરીને બહાર કઢાઈ,
- કિશોરીને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરએ મૃત જાહેર કરી
પાલનપુરઃ શહેરમાં આબુ હાઇવે નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીના મકાનમાં સવારે બાથરૂમમાં નહાવા ગયેલી કિશોરીનું ગીઝરના ગેસથી ગૂંગળાઇ જવાથી મોત નિપજતા પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. કિશોરી બાથરૂમમાં નહાવા ગયા બાદ 15 મિનિટ સુધી બાથરૂમમાંથી કોઇ અવાજ ન આવતાં કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો. જે ન ખોલતાં મકાન પાછળ જઇ કાચની ઝાળીમાંથી જોતા તેણી ફર્સ ઉપર પડેલી હતી.આથી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.
આ બનાવની વિગતો એવી જાણવી મળી છે. કે, પાલનપુર શહેરમાં તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ વડગામના વેસાના દુષ્યંતભાઇ વ્યાસ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.તેમના ત્રણ સંતાનો વિશ્વા અને દક્ષ પૈકી વચેટ દીકરી દુર્વા ( ઉ. વ.13) બુધવારે સવારે 11.30 કલાકની આસપાસના સમયે તેમના મકાનના બાથરૂમમાં નહાવા માટે ગઇ હતી. જે બાથરૂમમાં ગયા પછી 15 મિનીટ સુધી કોઇ અવાજ આવ્યો ન હતો. કે તેણી બહાર પણ ન નીકળતાં તેણીની માતા મિતલબેને દરવાજો ખખડાવ્યો હતો. જોકે, તે ન ખોલતાં મકાન પાછળ ગયા હતા. જ્યાં બાથરૂમની કાચવાળી ઝાળીમાંથી અંદર જોતા દુર્વા ફર્સ ઉપર પડી હતી. આથી પરિવારજનો એકત્ર થઇ ગયા હતા. અને બાથરૂમમાં દરવાજો તોડી દુર્વાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતુ.
તબીબોના કહેવા મુજબ બાથરૂમમાં ગેસ ગીઝર ક્યારે જોખમી પણ બને છે. કારણ કે બંધ બાથરૂમમાં ઓકિસજન ખૂટી જાય તો ગીઝરના ગેસનું કાર્બન મોનોકસાઇડમાં રૂપાંતર થાય છે જો ગેસ ગીઝર બાથરૂમમાં રાખવામાં આવ્યું હોય અને પૂરતી માત્રામાં ઓક્સિજન ન મળે તો એલપીજી-બળતણ ગેસનું આંશિક દહન થાય છે. જેથી ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે. આ ઝેરી ગેસનો કોઈ રંગ અને કોઈ ગંધ નથી. એટલે એની હાજરીની ખબર નથી પડતી પરંતુ એ એક સાઇલન્ટ કિલર છે. ગેસના સંપર્કમાં આવતા મિનિટમાં વ્યક્તિને તેની અસર થવા લાગે છે અને તે બેભાન પણ થઇ શકે છે અને તે મગજને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તુરંત સારવાર ન મળે તો કયારેક જીવલેણ પણ સાબિત થાય છે.


