
નવી દિલ્હીઃ દેશમાં સ્પોર્ટસને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યાં છે, તેમજ વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે ભારત પહેલી વાર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા પહેલ કરી રહ્યું છે. બીજી તરફ અમદાવાદમાં ઓલિમ્પિક માટે તૈયાર થઈ રહેલા સ્ટેડિયમની કામગીરી પણ લગભગ પૂર્ણ થવાના આરે છે. ભારતે સત્તાવાર રીતે 2036 ઓલિમ્પિકની યજમાની કરવા નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડના લુઝાનમાં ભારતીય પ્રતિનિધિમંડળે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના અધિકારીઓની મુલાકાત કરી ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનો પ્રસ્તાવ સત્તાવાર રીતે રજૂ કર્યો હતો.
આ દાવો રજૂ કરવાનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. IOC એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે હાલમાં તે ભવિષ્યની ઓલિમ્પિક રમતો માટે યજમાન દેશની પસંદગી પ્રક્રિયા અટકાવી રહ્યું છે. તેના આ નિવેદન બાદ ભારતીય પ્રતિનિધિમંડળની IOC સાથે બેઠક થઈ હતી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ આ અંગે જણાવ્યું હતું કે, ‘ભારતમાં ઓલિમ્પિક રમતોનું આયોજન માત્ર એક ભવ્ય કાર્યક્રમ જ નહીં પરંતુ ઈતિહાસમાં પ્રથમ વખત યોજાનારી ઈવેન્ટ છે. જેની અસર તમામ ભારતીયો પર પડશે.’ પીટી ઉષાએ લુઝાનમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અધિકારીઓ સાથે ભારતીય પ્રતિનિધિમંડળની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે આ વાતચીતને અર્થપૂર્ણ ગણાવી છે.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ પીટી ઉષા અને ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં, ભારતીય પ્રતિનિધિમંડળે લૌઝેનમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકનો હેતુ ભવિષ્યમાં ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કરવાની તક અંગે ચર્ચા કરવાનો હતો. ભારત ભવિષ્યમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે ઉત્સુક છે અને આ માટે પગલાં પણ લીધા છે. નવા IOC પ્રમુખ ક્રિસ્ટી કોવેન્ટ્રીએ જાહેરાત કરી હતી કે યજમાન પસંદગીની સમગ્ર પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે અને ભાવિ યજમાન માટે યોગ્ય સમય નક્કી કરવા માટે એક કાર્યકારી જૂથ બનાવવામાં આવી રહ્યું છે છતાં ભારતીય પ્રતિનિધિમંડળે મુલાકાત કરી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવામાં રસ ધરાવતા ભારતના અધિકારીઓ ચર્ચા માટે આવકાર્ય છે.
પ્રતિનિધિમંડળમાં IOA, કેન્દ્રીય રમતગમત મંત્રાલય અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. પ્રતિનિધિમંડળે નિવેદનમાં જણાવ્યું હતું કે, આ મહત્વપૂર્ણ બેઠકનો હેતુ ભારતમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોના ભાવિ સંસ્કરણનું આયોજન કરવાની તક અને શક્યતા શોધવાનો હતો. ચર્ચાઓએ ભારતીય પ્રતિનિધિમંડળને અમદાવાદમાં ભાવિ ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તેના વિઝનને સ્પષ્ટ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ ચર્ચાઓમાંથી મળેલા અનુભવથી ભારતીય ટીમ તેની મહત્વાકાંક્ષાને વેગ આપશે, એમ તેમણે જણાવ્યું હતું.
પીટી ઉષાએ કહ્યું કે, ઓલિમ્પિક ચળવળ સાથે ભારતનું જોડાણ પરિવર્તનશીલ સમયે છે, એક એવો સમય જે સ્પર્ધાત્મક રમતોથી આગળ વધીને ઓલિમ્પિઝમની સાચી ભાવના (શાંતિ, શિક્ષણ અને રમતગમત દ્વારા સાંસ્કૃતિક આદાનપ્રદાન) ને સ્વીકારવા અને પ્રોત્સાહન આપવા માટે છે. ભારતમાં ઓલિમ્પિક રમતો માત્ર એક અદભુત ઘટના જ નહીં, પરંતુ તે બધા ભારતીયો માટે પેઢીગત અસર ધરાવતી ઘટનાઓ પણ હશે.
કોવેન્ટ્રીએ જણાવ્યું હતું કે ભવિષ્યના પ્રસ્તાવો પર આગળ વધતા પહેલા, એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યોને લાગ્યું કે પહેલાથી જ નક્કી કરાયેલા ભાવિ યજમાન લોસ એન્જલસ (2028 સમર ગેમ્સ), બ્રિસ્બેન (2032 સમર ગેમ્સ), ફ્રેન્ચ આલ્પ્સ (2030 વિન્ટર ગેમ્સ) ના અનુભવનો અભ્યાસ કરવો જોઈએ. ભારતે ગયા વર્ષે ઓક્ટોબરમાં 2036 ગેમ્સનું આયોજન કરવા માટે ઇરાદાની અભિવ્યક્તિ રજૂ કરી હતી.