
જકાર્તા : ઇન્ડોનેશિયામાં એક મોટો અકસ્માત બન્યો હતો. ઇસ્લામિક સ્કૂલની નિર્માણાધીન ઇમારત અચાનક ધરાશાયી થતાં નમાઝ અદા કરતા ડઝનબંધ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. અંદાજે 65 વિદ્યાર્થીઓ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાનું જણાવાયું છે. આ ઘટના 29 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે 12 થી 17 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા. એ સમયે સ્કૂલની ઇમારતનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. ઘટનાના તરત પછી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પોતાના સંતાનનું નામ ગુમ થયેલાની યાદીમાં જોઈને વાલીઓ ધ્રુસકે રડી પડ્યા હતા. સ્કૂલ અને હોસ્પિટલના બહાર મોટી સંખ્યામાં સગાં-સંબંધીઓ એકઠા થયા હતા.
પોલીસ, સૈનિકો અને બચાવકર્મીઓએ રાતભર ઓપરેશન ચલાવીને અત્યાર સુધીમાં 8 વિદ્યાર્થીઓને જીવિત બહાર કાઢ્યા છે. કાટમાળ નીચે દટાયેલા બાળકો સુધી ઓક્સિજન સિલિન્ડર અને પાણીની બોટલો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, બચાવ કામગીરી ખુબ જ કઠિન છે, કારણ કે કોંક્રિટના ભારે સ્લેબ અને અસ્થિર ઇમારતનો ભાગ કોઈપણ સમયે ફરી તૂટી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે, “અમે ભારે મશીનરીનો ઓછો ઉપયોગ કરીએ છીએ, કારણ કે તેનાથી વધુ નુકસાન થઈ શકે છે અને વિદ્યાર્થીઓના જીવન પર જોખમ ઊભું થઈ શકે છે.”