
મીડલ ઈસ્ટમાં હાલ યુદ્ધના ભણકારા વધુ તેજ બની રહ્યાં છે. પહેલા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસનું યુદ્ધ થયું હતું, હવે ઇઝરાયલની ‘ડેવિડ કોરિડોર’ યોજનાએ સીરિયામાં અશાંતિ પેદા કરી છે. તુર્કી, ઈરાન અને અન્ય દેશો આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ યોજના સીરિયાને તોડવા તરફ ઈશારો કરે છે. ઇઝરાયલની આ કથિત યોજના પાછળની સૌથી મોટી ચિંતા એ છે કે તે ‘ગ્રેટર ઇઝરાયલ’ ના સ્વપ્નને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. જોકે ઇઝરાયલે આ યોજનાની સત્તાવાર પુષ્ટિ કરી નથી, તેના લશ્કરી પગલાં અને વ્યૂહાત્મક પ્રવૃત્તિઓ આ વિચારને બળ આપી રહી છે.
અહેવાલ મુજબ, ડેવિડ કોરિડોર એક વ્યૂહાત્મક માર્ગ છે, જે ઇઝરાયલને સીરિયાના દક્ષિણમાં ડ્રુઝ વસ્તીવાળા વિસ્તારો સાથે જોડે છે અને ત્યાંથી સીધો ઉત્તર સીરિયાના કુર્દિશ વિસ્તારો સુધી પહોંચે છે. એટલે કે, ઇઝરાયલ એવો પટ્ટો બનાવવા માંગે છે જેના દ્વારા તે સીરિયામાં કાયમી પ્રભાવ સ્થાપિત કરી શકે. ઘણા નિષ્ણાતો આ યોજનાને ગ્રેટર ઇઝરાયલના વિચાર સાથે જોડે છે. એક એવો વિચાર જેમાં ઇઝરાયલની સરહદો નાઇલથી યુફ્રેટીસ સુધી વિસ્તરેલી હોવાનું કહેવાય છે.
તુર્કીના અગ્રણી અખબાર હુરિયતના કટારલેખક અબ્દુલકાદિર સેલ્વી માને છે કે ઇઝરાયલની યોજના મુજબ, સીરિયાને ચાર ભાગોમાં વહેંચી શકાય છે: દક્ષિણમાં ડ્રુઝ રાજ્ય, પશ્ચિમમાં અલાવાઇટ વિસ્તાર, મધ્યમાં સુન્ની આરબ રાજ્ય અને ઉત્તરમાં કુર્દિશ રાજ્ય, જેનું સંચાલન SDF (સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ) દ્વારા કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, ઇઝરાયલની દલીલ એ છે કે તે ફક્ત તેની સરહદોની સુરક્ષા ઇચ્છે છે, ખાસ કરીને સીરિયામાં હાજર ઇરાની સમર્થિત જૂથોથી. ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ ઘણી વાર કહ્યું છે કે તેઓ ઉત્તરીય સરહદ પર કોઈપણ પ્રતિકૂળ બળને સહન કરશે નહીં. તે જ સમયે, ડ્રુઝ સમુદાયને ટેકો આપવાની પણ વાત થઈ છે. પરંતુ ટીકાકારો માને છે કે ઇઝરાયલનો વાસ્તવિક ઇરાદો સીરિયાની શક્તિને નબળી પાડવાનો છે જેથી ત્યાં નાના સ્વતંત્ર અથવા અર્ધ-સ્વતંત્ર વિસ્તારો રચાઈ શકે, જેમાંથી કેટલાક ઇઝરાયલના સાથી પણ હોઈ શકે.
તુર્કી લાંબા સમયથી સીરિયાની કેન્દ્ર સરકારને ટેકો આપી રહ્યું છે. અંકારાને ડર છે કે જો કુર્દિશ અને ડ્રુઝ સમુદાયોને સ્વાયત્તતા મળશે, તો તે ફક્ત સીરિયાની અખંડિતતા તોડશે નહીં, પરંતુ તુર્કીના પોતાના કુર્દિશ બાબતોને પણ અસર કરશે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને 17 જુલાઈએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ સીરિયાને વિભાજીત થવા દેશે નહીં. તુર્કીના રાજ્ય મીડિયાએ પણ ઇઝરાયલની લશ્કરી પ્રવૃત્તિઓ પર આકરી પ્રતિક્રિયા આપી છે.
ફક્ત તુર્કી જ નહીં પરંતુ અન્ય દેશો પણ સીરિયાના વિભાજનથી ચિંતિત છે. ઈરાન અને રશિયા પહેલાથી જ ઇઝરાયલના લશ્કરી હસ્તક્ષેપને તેમની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન માનતા આવ્યા છે. જ્યારે અમેરિકા, જે ઇઝરાયલનું મુખ્ય સાથી છે, તે આ મુદ્દા પર સંયમ રાખવાની સલાહ આપી રહ્યું છે.