જુનાગઢ, 1 એપ્રિલ 2026: Receives 3200 boxes of saffron mangoes શહેરના માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયુ છે. છેલ્લા એક અઠવાડિયામાં 3200 જેટલા બોક્સની આવક થઈ છે. જોકે કેસર કેરીના ભાવ વધુ હોવાથી સામાન્ય લોકો કેરી આરોગી શકે તેમ નથી. યાર્ડમાં 3200 બોક્સની આવક થઈ એમાં 20 કિલોના 1000થી 4200 જેટલા ભાવ બોલાયા છે. ગીર પંથકમાં સમાયાંતરે વાતાવરણમાં પલટાને લીધે આંબા પર મોર ખરી પડતા કેરીના પાકને નુકસાન થયું હતું. કુદરતી આફતો, માવઠા અને પવનના કારણે કેરીનું ઉત્પાદન ઘટ્યું છે, સાથે જ બજારમાં મળતા ભાવ પણ અપેક્ષા મુજબ નથી, જેને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.
જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં ગીરની પ્રસિદ્ધ કેસર કેરીની આવક શરૂ થઈ ચૂકી છે. સીઝનની શરૂઆત ગત 22 માર્ચથી થઈ છે. પ્રથમ દિવસે માત્ર 58 બોક્સની આવક નોંધાઈ હતી, જ્યારે આજે કેસર કેરીના 700થી વધુ બોક્સની આવક નોંધાઈ હતી જેના ભાવ આજે 1000થી 1700 સુધીના રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3200 જેટલા બોક્સની આવક થઈ છે. અને હજુ પણ આગામી દિવસોમાં જેમ જેમ કેરીની આવક વધશે તેમ ભાવ ઘટવાની સંભાવના છે. 15 દિવસ બાદ કેરીની સીઝન પૂર જોશમાં શરૂ થશે.
કેસર કેરીના બાગાયતદારોના જણાવ્યા મુજબ, ગયા વર્ષે પહેલા ઉતારામાં જ્યાં 200 બોક્સ ઉતરતા હતા, ત્યાં આ વર્ષે માત્ર 30 બોક્સ જ ઉતર્યા છે. ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે, ગયા વર્ષે 1700થી 1800 રૂપિયા મળતા હતા, જ્યારે હાલ 1100થી 1200 રૂપિયા જ મળી રહ્યા છે. આ વખતે કેરીમાં ભારે નુકસાની છે. જો આવી જ સ્થિતિ આગામી સમયમાં રહેશે તો ખેડૂતોને આંબાના બગીચા કાપવાનો વારો આવશે. માવઠા અને ખરાબ હવામાનના કારણે ઝાડ પરની નાની કેરીઓ ખરી ગઈ છે, જેના કારણે ઉત્પાદન અડધું થઈ ગયું છે. 1000 મણની આશા સામે માત્ર 500 મણ જ કેરી મળી રહી છે. વર્ષભર મહેનત અને અનેકવાર દવા છાંટ્યા બાદ પણ પૂરતું વળતર મળતું નથી અને તેમાં મજૂરી પણ નથી છૂટતી. સરકાર મદદ કરે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે.
ગીરની પ્રખ્યાત કેસર કેરી અત્યારે બજારમાં તો આવી રહી છે, પરંતુ તેની પાછળ ખેડૂતોનો પરસેવો અને અત્યારની આર્થિક તંગીની કથા છુપાયેલી છે. યોગ્ય ભાવ અને ઓછો ઉતારો ગીરના ખેડૂતો માટે આ વર્ષે પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે.


